બાંગ્લાદેશમાં લઘુમતી પર હિંસા: બે દિવસમાં બે હિન્દુઓની હત્યાથી ફફડાટ, આરોપીઓની ધરપકડ | bangladesh hindu community violence killings gazipur rajbari

![]()
Bangladesh Hindu violence : બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા બે દિવસમાં અલગ-અલગ જિલ્લાઓમાં બે હિન્દુ વ્યક્તિઓની હત્યાના કિસ્સા સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક લઘુમતીઓમાં ભય અને આક્રોશનો માહોલ છે.
હોટલ માલિકની ઢોરમાર મારીને હત્યા
તાજો મામલો શનિવારે સવારે આશરે 11 વાગ્યે ગાઝીપુર જિલ્લાના કાલિગંજ વિસ્તારમાં બન્યો હતો. અહીં એક હિન્દુ હોટલ માલિક લિટન ચંદ્ર ઘોષ (ઉંમર 60 વર્ષ) ની નિર્મમ હત્યા કરવામાં આવી છે. લિટન ઘોષ વિસ્તારમાં ‘બોયશાખી સ્વીટ્સ એન્ડ હોટલ’ ચલાવતા હતા.
ગ્રાહક સાથે બોલાચાલી બાદ મામલો બિચક્યો
મળતી માહિતી અનુસાર, હોટલના કર્મચારી અનંત દાસની એક ગ્રાહક સાથે બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર ઘર્ષણમાં ફેરવાઈ ગઈ હતી. જ્યારે લિટન ચંદ્ર ઘોષ પોતાના કર્મચારીને બચાવવા વચ્ચે પડ્યા, ત્યારે હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. તેમને એટલો ગંભીર ઢોરમાર મારવામાં આવ્યો કે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પેટ્રોલના પૈસા માંગતા યુવકને ગાડી નીચે કચડી નાખ્યો
આ પહેલા શુક્રવારે રાજબાડી જિલ્લામાં 30 વર્ષીય રિપન સાહાની ગાડી નીચે કચડીને હત્યા કરી દેવામાં આવી હતી. રિપન સાહા ગોલાંદા નજીક આવેલા ‘કરીમ ફિલિંગ સ્ટેશન’ (પેટ્રોલ પંપ) પર કામ કરતો હતો.
પેટ્રોલ ભરાવવા મામલે ગાડી ચડાવી દીધી
એક વાહન ચાલકે પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે રિપને તેને અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ચાલકે ક્રૂરતાપૂર્વક ગાડી રિપન પર ચડાવી દીધી હતી, જેના કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતું. પોલીસે વાહન જપ્ત કરીને તેના માલિક અબુલ હાશેમની ધરપકડ કરી છે. નોંધનીય છે કે અબુલ હાશેમ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) નો જિલ્લા અધ્યક્ષ છે.

