गुजरात

વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકનો ધારાસભ્યો દ્વારા બહિષ્કાર! તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમને-સામને | Vadodara District sankalan samiti meeting MLAs Boycott Over Administrative Issues



Vadodara News: વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શનિવારે (17મી જાન્યુઆરી) યોજાનારી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભારે ડ્રામા જોવા મળ્યો હતો. જિલ્લાના વિકાસ કામો અને અધિકારીઓના વલણથી નારાજ પાંચ ધારાસભ્યોએ અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ, આજે ડભોઈના ધારાસભ્ય સિવાયના તમામ ધારાસભ્યોએ બેઠકનો બહિષ્કાર કરતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં માત્ર એક ધારાસભ્યની હાજરી 

વડોદરામાં દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી જિલ્લા સંકલન સમિતિમાં આજે સ્થિતિ વણસી હતી. આ બેઠમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. ત્યારે માત્ર ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા બેઠકમાં હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘મારો કોઈ વ્યક્તિગત વિરોધ નથી, બાકીના ધારાસભ્યો કેમ નથી આવ્યા તે મને ખબર નથી.’ આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો કે, ‘પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કેતન ઈનામદારે બેઠકમાં હાજર નહી રહે.’

નોંધનીય છેકે, અગાઉ કેતન ઇનામદાર, શૈલેષ મહેતા, અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ચૈતન્યસિંહ ઝાલાએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને પત્ર લખીને જિલ્લામાં વિકાસના કામો ન થતા હોવાના અને અધિકારીઓ દ્વારા અવગણના કરાતી હોવાના ગંભીર આક્ષેપ કર્યાં હતા.

આ પણ વાંચો: ‘અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે’, વડોદરા ભાજપના 5 ધારાસભ્યોનો સામૂહિક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને રજૂઆત

બેઠક પૂર્વે સાંસદની ચેમ્બરમાં મંથન

સંકલન સમિતિ શરૂ થાય તે પહેલાં વડોદરાના સાંસદે પોતાની ચેમ્બરમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબા મહિડા અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષી ચૌહાણ સાથે અલગથી બેઠક કરી હતી. આ બેઠકમાં ખાસ કરીને જિલ્લાના આરોગ્યના પ્રશ્નો પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબા મહિડાએ જણાવ્યું હતું કે, ‘આરોગ્ય તંત્ર ખાડે નથી ગયું, પરંતુ કામગીરી હજુ વધુ સુધારવાની જરૂર છે.’ 

ઉલ્લેખનીય છેકે,જિલ્લામાં ચાલી રહેલા આ આંતરિક કલહની અસર કલેક્ટર કચેરીમાં સ્પષ્ટ દેખાતી હતી.  જિલ્લા કલેક્ટર બેઠકમાં ઉદાસ ચહેરે હાજર થયા હતા, કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહાજરીમાં સંકલનનો હેતુ જ માર્યો જાય છે.



Source link

Related Articles

Back to top button