રાજકોટના આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજાનું એલાન | Death penalty announced for the accused who Molested a 7 year old girl in Atkot Rajkot

![]()
Atkot Case Verdict: રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં સાત વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી, ઘરપકડ બાદ 34 દિવસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને હવે આજે કોર્ટે તેને 45મા દિવસે ફાંસીની સજાનું એલાન કરી દીધું.
શું છે સમગ્ર ઘટના?
4 ડિસેમ્બર 2025ના રોજ જસદણના આટકોટમાં કાનપર ગામે એક શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આરોપી રેમસીંગ તેરસીંગે હેવાનિયતની હદ વટાવતા ઝાડ નીચે દુષ્કર્મ આચરી બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દીધો હતો અને તેને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. બાળકીએ બૂમાબૂમ કરતાં ગંભીર હાલતમાં બાળકીને છોડીને આરોપી નાસી ગયો હતો. જો કે બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવતા તેનો બચાવ થયો હતો.
ધારિયાથી પોલીસ પર કર્યો હતો હુમલો
આ ઘટના બાદ તા.08.12.2025ના રોજ આરોપી રેમસીંગ તેરસીંગને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. નામદાર કોર્ટે 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધી આરોપી રેમસીંગ તેરસીંગના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ ગુનામાં વપરાયેલા લોખંડના સળિયાને એકત્ર કરવા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને સાથે રાખીને પોલીસ ખેતરમાં તેમજ આરોપીના ઘરે પહોંચી હતી. જ્યાં ઘરમાં રાખેલા ધારિયા વડે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપીને બંને પગે ઇજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહીના પગલે આરોપીએ કણસતા અવાજે કહ્યું હતું કે, ‘મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં.’
11 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ
તપાસ કરનાર અધિકારીએ દુષ્કર્મ કેસની ગંભીરતાની નોંધ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, મોબાઈલ ફોન જપ્ત કરી સી.ડી.આર. મેળવતા આરોપીની હાજરી કાનપર ગામમાં મળી આવી હતી. બનાવ સ્થળેથી લોખંડનો સળિયો પણ મળી આવ્યો હતો જેના પર બાળકીનું લોહી હતું તે પણ તપાસમાં પુરવાર થયું હતું. તે ઉપરાંત દુષ્કર્મના બનાવ સ્થળેથી માથાનો વાળ પણ મળી આવ્યો હતો જે આરોપી રેમસીંગ તેરસીંગનો હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે ઝીણવટભરી તપાસ કરી ઘટનાના 11 દિવસમાં કોર્ટમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. જે બાદ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી તરફથી બચાવમાં અનેક વાતો ટાંકવામાં આવી હતી પણ જવાબમાં સરકાર તરફથી પણ મજબૂત પુરાવા સાથે કોર્ટ અપીલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ ઘટનાના 38 અને ઘરપકડના 34 દિવસ બાદ કોર્ટે આરોપી રેમસીંગ તેરસીંગને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને આજે સજાનું એલાન કરતાં તેને ફાંસીની સજા આપવામાં આવી છે.



