‘ભારે ધનબળ અને સત્તા વિરુદ્ધ…’, મહારાષ્ટ્રમાં પરાજય અંગે રાજ ઠાકરેની પ્રથમ પ્રતિક્રિયા | Raj Thackeray’s First Reaction to MNS Defeat in BMC Elections

![]()
Raj Thackerey News : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ BMC સહિત રાજ્યની નગર નિગમ ચૂંટણીમાં મળેલા પરાજય પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ચૂંટણીને “ભારે ધનબળ અને સત્તાની તાકાત વિરુદ્ધ શિવશક્તિ” વચ્ચેની લડાઈ ગણાવી છે. ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને BMC સહિત રાજ્યની 24 અન્ય નગર નિગમોમાં જંગી જીત મેળવી છે, જ્યારે MNSને સમગ્ર રાજ્યમાં માત્ર 13 બેઠકો મળી છે.
હાર સ્વીકાર્ય પણ હિંમત નથી હાર્યા
મુંબઈની 227 સભ્યોની BMCમાં MNSને માત્ર 6 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. આ હારને સ્વીકારતા રાજ ઠાકરેએ કહ્યું કે MNSને અપેક્ષિત સફળતા મળી નથી, પરંતુ આનાથી પાર્ટી હતાશ નથી થઈ અને ન તો હાર માની રહી છે. તેમણે MNSના ચૂંટાયેલા તમામ કાઉન્સિલરોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે તેઓ સત્તાધારી શક્તિઓ સામે જમીન પર મજબૂતીથી ઉભા રહેશે.
પરિણામોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરાશે
રાજ ઠાકરેએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે ચૂંટણીના પરિણામોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે. તેમણે કહ્યું, “શું ખોટું થયું, શું છૂટી ગયું, ક્યાં કમી રહી ગઈ અને આગળ શું કરવું છે, અમે સૌ સાથે મળીને તેનું વિશ્લેષણ કરીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું.” તેમણે MNSના મૂળભૂત સિદ્ધાંતોને પુનરોચ્ચાર કરતા કહ્યું કે પાર્ટી મરાઠી લોકો, મરાઠી ભાષા, મરાઠી અસ્મિતા અને સમૃદ્ધ મહારાષ્ટ્ર માટે સંઘર્ષરત છે.
20 વર્ષ બાદ ઠાકરે બંધુઓનું ગઠબંધન નિષ્ફળ
આ ચૂંટણી ઠાકરે પરિવાર માટે વિશેષ મહત્વ ધરાવતી હતી, કારણ કે 20 વર્ષના લાંબા સમય બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે ચૂંટણી લડ્યા હતા, પરંતુ આ ગઠબંધન રાજ્ય સ્તરે નિષ્ફળ ગયું. ભાજપે 1,425 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને 399 અને અજિત પવારની NCPને 167 બેઠકો મળી. MNSની મર્યાદિત સફળતા દર્શાવે છે કે મરાઠી અસ્મિતાના મુદ્દે તેમનો પ્રભાવ નબળો પડ્યો છે. જોકે, રાજ ઠાકરેએ કાર્યકર્તાઓની પ્રશંસા કરી અને ચેતવણી આપી કે જો મરાઠી લોકો વિરુદ્ધ કોઈ પગલું ભરવામાં આવશે તો તેમના ચૂંટાયેલા કાઉન્સિલરો સત્તાને ઘૂંટણિયે લાવી દેશે.


