ખંભાતમાં જૂથ અથડામણ : એકને તલવાર મારી ઈજા પહોંચાડી : ટેમ્પી, ઘર સળગાવ્યું | Group clash in Khambhat: One injured with sword: Tempi house set on fire

![]()
– અગાઉ થયેલા ઝઘડાની અદાવત મામલે
– બંને પક્ષોની સામસામે ફરિયાદ : ખંભાત શહેર પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડતી તજવીજ હાથ ધરી
આણંદ : ખંભાત શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી નજીક અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં બે જૂથ વચ્ચે મામલો બિચક્યો હતો. બંને જૂથોએ સામસામે એકબીજા ઉપર હુમલો કરતા એકને તલવાર મારીને ઇજાઓ પહોંચાડી હતી, જ્યારે ઘર અને ટેમ્પીને સળગાવવાની પણ ઘટના બની હતી. આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
ખંભાત શહેરના રેલવે સ્ટેશન નજીક ઝૂંપડપટ્ટી પાસે રહેતા ભરતભાઈ રાજેશભાઈ રાણાએ થોડા સમય પૂર્વે ઈશ્વરભાઈ ચુનારા અને રોહન ચુનારાને સલાહ આપતા અવતાર સિંહ ઉર્ફે જેકી સારો માણસ નથી તેથી તેની સંગતે ના ચડશો તેવી સલાહ આપી હતી. જેની અદાવત રાખી ગુરૂવારની રાત્રિના સુમારે અવતારસિંગ અને તેના પિતા ભારત સિંગે ઝઘડો કર્યોે હતો. અવતાર સિંગે ભરત રાણાને તલવાર મારી ઇજાઓ પહોંચાડી હતી અને પિતા પુત્ર એ ગઢડાપાટુનો માર માર્યો હતો.
સામા પક્ષે આરતી કૌર ભારત સિંગ તેલપેથિયાની ફરિયાદ મુજબ, તેના ભાઈને ભરત રાણા સાથે ઝઘડો થતાં તેનું ઉપરાણું લઈને રાત્રિના સુમારે ભરત રાજુભાઈ રાણા, ચેતન રાજુભાઈ રાણા અને અન્ય ૪૦થી ૫૦ માણસોનું ટોળું તેમના ઘરે ધસી આવ્યું હતું અને પથ્થર મારો કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. દરમિયાન આ ટોળાંએ ઘર તેમજ ઘરની બહાર પડેલ ટેમ્પી ઉપર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દેતા આગ લાગી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના કારણે ઘરવખરી તેમજ ટેમ્પીને નુકસાન થયું હતું. જે મામલે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધા વધુ કાર્યવાહી હાથ ધરી છે.



