હળવદના ઢવાણીયા દાદાની દેરી પાસે ગટરના પાણી ભરાતા રહીશો પરેશાન | Residents of Halvad are worried about the sewage water filling up near Dhawaniya Dada’s temple

![]()
– રોડનું કામ ગોકળગતિએ ચાલતાં સમસ્યા વકરી
– રસ્તા લપસણો બનતા ગુરૂવારે એક જ દિવસમાં 5 થી વધુ બાઈક સવારો પટકાયા
હળવદ : હળવદ સરા રોડ પર આવેલા ઢવાણીયા દાદાની દેરી પાસેનો મુખ્ય માર્ગ હાલ વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. રોડનું કામ લાંબા સમયથી ગોકળગાય ગતિએ ચાલતું હોવાથી અને બીજી તરફ ગટરના દુર્ગંધયુક્ત પાણી રોડ પર ફરી વળતા સમગ્ર વિસ્તાર કાદવ-કિચડના સામ્રાજ્યમાં ફેરવાયો છે.
રસ્તો અત્યંત લપસણો બની જતાં ગુરુવારે એક જ દિવસમાં પાંચથી વધુ બાઈક સવારો સ્લીપ ખાઈને પટકાયા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ અનેક રિક્ષા અને કાર ચાલકો ગંદા પાણીમાં ફસાઈ જતાં કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગટરનું ગંદુ પાણી લાંબા સમયથી ભરાઈ રહેતું હોવાથી આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. કાદવ અને ગંદકીને કારણે રાહદારીઓનું ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે જનતામાં ‘શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?’ તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. જો સત્વરે આ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



