રાજકોટમાં ઈ.સ. 1935માં અને ભૂજમાં 1977માં માઈનસ તાપમાન નોંધાયું હતું | In Rajkot minus temperature was recorded in 1935 and in Bhuj in 1977

![]()
ગુજરાતમાં 1988 પછી ઠંડીનો રેકોર્ડ કદિ તૂટયો નથી રાજ્યમાં સીઝનની સર્વાધિક ઠંડીના રેકોર્ડ જાન્યુઆરી માસમાં જ નોંધાતા રહ્યા છે : અમદાવાદમાં 1954માં : દ્વારકા, ભાવનગર, સુરતમાં 1929માં, કેશોદ, વડોદરા, પોરબંદરમાં 1962માં સર્વાધિક ઠંડી નોંધાઈ હતી
રાજકોટ, : ગુજરાતમાં હાલ સવારે કેટલાક સ્થળોએ ધ્રુજાવી દેતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં મહત્તમ ઠંડી કેટલી પડી શકે? રાજકોટમાં ઈ.સ. 1935માં 16 જાન્યુઆરીએ -0.6 સે.તાપમાન નોંધાયું હતું જેને આજે બરાબર 90 વર્ષ પૂરા થયા છે. તો ગુજરાતની સૌથી વધુ ઠંડી -0.2 સે. ભૂજમાં તા. 28 જાન્યુઆરી 1977ના દિવસે નોંધાઈ હતી જ્યારે પાણી પણ થોડો સમય માટે જામીને બરફ થઈ ગયું હતું. રાજ્યમાં નવેમ્બરથી ફેબ્રુઆરી શિયાળાની સીઝનની સૌથી વધારે ઠંડીનો રેકોર્ડ જાન્યુઆરીમાં નોંધાતો રહ્યો છે અને નોંધપાત્ર બાબત એ છે કે ઈ.સ. 1988માં સૌથી ઓછી ઠંડી અમરેલીમાં તા. 26 જાન્યુઆરીએ 1.6 સે. નોંધાયા બાદ રાજ્યના શહેરોના રેકોર્ડ તૂટયા નથી.
પરંતુ, નલિયા એક અપવાદ છે. રાજસ્થાન તરફથી સીધા બર્ફીલા પવનો આવે છે તે કચ્છમાં, ખાસ કરીને નલિયામાં તાપમાન નીચું રહેતું હોય છે, બે વર્ષ પહેલા ત્યાં પારો 2 સે. નીચે ઉતરી ગયો હતો અને આ સ્થળની સર્વાધિક ઠંડીનો રેકોર્ડ એક તો ફેબ્રુઆરીમાં તા. 7 તારીખે અને 1988 પછી ઈ.સ.2008માં નોંધાયો છે.
આ સિવાય મોસમ વિભાગમાંથી માહિતી અનુસાર રાજ્યમાં 90ના દાયકા પછી ગરમીના રેકોર્ડ તો અનેક નોંધાયા, તૂટયા છે, ગત વર્ષે પણ તુટયા છે પરંતુ, ઠંડીના રેકોર્ડ તૂટયા નથી. જેમ કે અમદાવાદમાં ઈ.સ. 1954માં, ભાવનગર, સુરત, દ્વારકામાં ઈ.સ.1929માં, કેશોદ, વડોદરા અને પોરબંદરમાં 1962માં નોંધાઈ હતી અને વેરાવળમાં તો ઈ.સ.1905 નો 4.4 સે.નો રેકોર્ડ આજ સુધી અકબંધ છે. સૌરાષ્ટ્ર પાસેના કેન્દ્રશાસિત પ્રદેશ દિવમા તા.1-1-1991 ના 5.0 સે. સર્વાધિક ઠંડી નોંધાઈ હતી.



