राष्ट्रीय

અનાથઆશ્રમથી નેધરલેન્ડના મેયર સુધીની સફર: 41 વર્ષે માતાને શોધવા ભારત આવ્યો દીકરો | dutch mayor falgun binnendijk nagpur search biological mother karna kunti



સાભાર સોશિયલ મીડિયા ડી.પ્રશાંત નાયર

dutch-mayor-seeks-indian-mother : નાગપુરમાં વર્ષ 1985માં એક અવિવાહિત માતાએ સામાજિક ડરના કારણે પોતાના માત્ર ૩ દિવસના નવજાત બાળકને શેલ્ટર હોમમાં છોડી દીધું હતું. એક મહિના બાદ નેધરલેન્ડથી ભારત ફરવા આવેલા એક દંપતીએ આ બાળકને દત્તક લીધું અને પોતાની સાથે લઈ ગયા. આજે આ ઘટનાને 41 વર્ષ વીતી ગયા છે અને તે બાળક હવે નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડમ પાસેના ‘હીમસ્ટેડ’ (Heemstede) શહેરનો મેયર બની ચૂક્યો છે. હીમસ્ટેડના મેયર ફાલ્ગુન બિન્નેન્ડિજ્ક (Falgun Binnendijk) હવે પોતાની જન્મદાતા માતાને શોધવા માંગે છે, જે માટે તેઓ તાજેતરમાં ડિસેમ્બર 2025માં ભારત આવ્યા હતા.

“દરેક કર્ણને પોતાની કુંતીને મળવાનો અધિકાર છે”

ફાલ્ગુને પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, “મેં મહાભારત વાંચી છે અને મને લાગે છે કે દરેક કર્ણને પોતાની કુંતીને મળવાનો અધિકાર છે. હું મારી માતાને માત્ર એક વખત મળીને એ જણાવવા માંગુ છું કે મારો ઉછેર ખૂબ જ પ્રેમપૂર્વક થયો છે અને હું આજે એક સફળ જીવન જીવી રહ્યો છું.”

નર્સે પાડ્યું હતું ‘ફાલ્ગુન’ નામ

ફાલ્ગુનનો જન્મ 10 ફેબ્રુઆરી, 1985ના રોજ થયો હતો. તેની માતાએ તેને નાગપુરના ‘માતૃ સેવા સંઘ’ નામના શેલ્ટર હોમમાં છોડ્યો હતો. ત્યાં તે આશરે એક મહિનો રહ્યો. હિન્દુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનામાં જન્મ થયો હોવાથી ત્યાંની એક નર્સે તેનું નામ ‘ફાલ્ગુન’ રાખ્યું હતું. વર્ષ 2025 માં ફાલ્ગુન ત્રણ વખત ભારત આવ્યા અને એક અધિકારીની મદદથી તેમને તે નર્સની માહિતી મળી, જે હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે.

ઓગસ્ટ 2025 માં નાગપુર કલેક્ટર વિપિન ઇટણકરની મદદથી ફાલ્ગુન તે નર્સના ઘરે પહોંચ્યા હતા. ફાલ્ગુને કહ્યું, “મને નામ આપનાર નર્સને મળીને ખૂબ આનંદ થયો. તેમને મળવું એ મારા જીવનનો યાદગાર અનુભવ હતો, કારણ કે તેમણે જ મને આ વિશ્વમાં એક ઓળખ આપી હતી.”

સમાજના ડરથી માતાએ ત્યાગ કર્યો હતો

નાગપુર મ્યુનિસિપલ કમિશનર અભિજીત ચૌધરીએ ફાલ્ગુનના જન્મના દસ્તાવેજો શોધવામાં મદદ કરી હતી. દસ્તાવેજો મુજબ, ફાલ્ગુનની માતા ૨૧ વર્ષની અવિવાહિત યુવતી હતી, જેણે સામાજિક લોકલાજના ડરે બાળકને ત્યજી દીધું હતું. જોકે દસ્તાવેજોમાં માતાનું નામ નોંધાયેલું છે, પરંતુ ફાલ્ગુને તેમની પ્રાઈવસી જાળવવા માટે નામ જાહેર કર્યું નથી.

ફાલ્ગુન ડચ દંપતીના ઘરે ઉછર્યા હોવા છતાં, તેમને નાનપણથી જ ખબર હતી કે તેઓ મૂળ ભારતીય છે. જેમ જેમ તેઓ મોટા થયા, તેમ તેમ તેમની જિજ્ઞાસા વધતી ગઈ અને આજે તેઓ પોતાના મૂળ સુધી પહોંચવા માટે મક્કમ છે.



Source link

Related Articles

Back to top button