અમરેલી: ચલાલા નગરપાલિકાના પ્રમુખની બિનહરીફ વરણી, પૂર્વ પ્રમુખના રાજીનામા બાદ હાથ ધરાઈ હતી ચૂંટણી પ્રક્રિયા | Bhumiben vala Elected Unopposed as Chalala Municipality President in Amreli

![]()
Chalala Municipality President In Amreli : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરવાજે દસ્તક દઈ રહી છે, ત્યારે અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાના પ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે આજે(16 જાન્યુઆરી) ચલાલા પાલિકા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભૂમિબેન જયરાજભાઈ વાળાની પાલિકાના પ્રમુખ પદે બિનહરીફ વરણી થઈ છે.
બહુમતીથી ચૂંટાયેલી ચલાલા ન.પા. 9 મહિનામાં ડખે ચડી હતી
અમરેલીમાં સંપૂર્ણ બહુમતી સાથે બનેલી ચલાલા નગરપાલિકા 9 મહિનામાં જ ડખે ચડી હતી. ચલાલા નગરપાલિકામાં ભાજપના 24 સભ્યો હોવા છતાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી. ત્યારબાદ પાલિકાના પ્રમુખે અચાનક રાજીનામુ ધરી દીધું હતું.
ચલાલા નગરપાલિકા પ્રમુખ બિનહરીફ ચૂંટાયા
અગાઉ 9 જાન્યુઆરીએ નવા પાલિકા પ્રમુખની વરણીની થોડી મિનિટો પહેલા પ્રાંત કલેક્ટરે 16 જાન્યુઆરીની નવી તારીખ જાહેર કરી હતી. જ્યારે આજે શુક્રવારે ચલાલા નગરપાલિકામાં નવા પાલિકા પ્રમુખ માટે એકમાત્ર ઉમેદવાર ભૂમિબેન જયરાજભાઈ વાળાનું નામ આવવા સર્વાનુમતે-બિનહરીફે ભૂમિબેન વાળાને પાલિકા પ્રમુખ જાહેર કર્યા હતા.
પ્રાંત અને મામલતદારની અધ્યક્ષતા મળેલી આ પાલિકા પ્રમુખની ચૂંટણીમાં પરિણામો બાદ મીડિયાથી પ્રાંત કલેક્ટર દૂર રહ્યા હતા. જ્યારે ધારી વિધાનસભાના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ સર્વાનુમતે પાલિકા પ્રમુખ ભૂમિબેન વાળા બન્યા હોવાનું જણાવ્યું હતું.
ભૂમિબેન વાળાએ ચલાલા શહેરના અટકેલા વિકાસના કામો પૂર્ણ થાય અને નવા વિકાસના કામો થાય તે માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.



