गुजरात

ગણતંત્ર દિવસ 2026: અમદાવાદની NIDએ રાષ્ટ્રપતિ ભવનના મહેમાનો માટે તૈયાર કર્યા ખાસ કાર્ડ, 350 કલાકારોની અજોડ હસ્તકલા | NID Ahmedabad Designs Rashtrapati Bhavan Invitations for Republic Day for Third Time


NID Ahmedabad Designs Invitations Cards: નવી દિલ્હીમાં યોજાનારા ગણતંત્ર દિવસ (26મી જાન્યુઆરી)ના પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન દ્વારા મોકલવામાં આવતા નિમંત્રણ પત્રો આ વખતે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) દ્વારા સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિ ભવન માટે આ વિશેષ ઇન્વિટેશન કાર્ડ (નિમંત્રણ પત્ર) તૈયાર કરવાની ગૌરવપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવી છે. આ વર્ષના નિમંત્રણ પત્રોની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની વિવિધતા અને ત્યાંની પરંપરાગત હસ્તકલાને પ્રદર્શિત કરવામાં આવી છે.

ઈન્વિટેશન કાર્ડ તૈયાર કરવામાં 90 દિવસનો સમય લાગ્યો

NID અમદાવાદએ આ ઈન્વિટેશન કાર્ડ તૈયાર કરવા માટે લગભગ 350 લોકોએ સાથે મળીને કામ કર્યું છે. જેમાં 200થી વધુ કારીગરોએ પોતાના મૂળ ગામોમાં બેસીને આ કળા પર કામ કર્યું છે, જ્યારે NID અમદાવાદના 100 જેટલા ફેકલ્ટી સભ્યો, સ્ટાફ, પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ આ કિટ તૈયાર કરવામાં ફાળો આપ્યો છે. આ આખી ડિઝાઇન તૈયાર કરતા પહેલા NIDની ટીમે ઉત્તર-પૂર્વના રાજ્યોનો પ્રવાસ કરીને ત્યાંની ક્રાફ્ટ સાયકલ સમજી હતી, જેમાં 45 દિવસ સંશોધનમાં અને 45 દિવસ નિર્માણમાં એમ કુલ 90 દિવસનો સમય લાગ્યો હતો.

ગણતંત્ર દિવસ 2026: અમદાવાદની NIDએ રાષ્ટ્રપતિ ભવનના મહેમાનો માટે તૈયાર કર્યા ખાસ કાર્ડ, 350 કલાકારોની અજોડ હસ્તકલા 2 - image

નિમંત્રણ કાર્ડમાં ‘અષ્ટલક્ષ્મી’ ગણાતા ઉત્તર-પૂર્વના આઠ રાજ્યોનું પ્રતિનિધિત્ત્વ કરતા વિશિષ્ટ નમૂનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્ડની અંદર સિક્કિમનું વાઈલ્ડ નેટલ ફેબ્રિક છે જેના પર માઉન્ટ કાંચનજંઘાનું એમ્બ્રોઈડરી કામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેઘાલયનું ગ્રીન બેમ્બુ વણાટ અને અરુણાચલ પ્રદેશનું પ્રખ્યાત ‘મોનપા’ હેન્ડમેડ પેપર પણ સામેલ છે, જે ઝાડની છાલમાંથી કોઈપણ કેમિકલ વગર બનાવવામાં આવે છે. આસામની ઓળખ ગણાતું વાજિંત્ર ‘ગોગોના’ પણ આ કિટનો એક ભાગ છે.

આ પણ વાંચો: અમદાવાદના પાલડીમાં AMCની મોટી કાર્યવાહી, મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો જમીનદોસ્ત

અન્ય રાજ્યોની કળાને પણ સ્થાન અપાયું 

કિટમાં અન્ય રાજ્યોની કળાને પણ સ્થાન અપાયું છે, જેમાં ત્રિપુરાની કેન એમ્બ્રોઈડરી દ્વારા બનાવેલી જ્વેલરી, નાગાલેન્ડનું પરંપરાગત ફેબ્રિક અને મિઝોરમના મિલેટ સીડ્સ (બાજરીના દાણા)થી કરવામાં આવેલી એમ્બ્રોઈડરીનો સમાવેશ થાય છે. મણિપુરના લોંગપી હિલ્સની ખાસ બ્લેક પોટરી, જે પથ્થરોને પીસીને બનાવવામાં આવે છે, તેનો નમૂનો પણ આ નિમંત્રણ પત્રની શોભા વધારશે. આ તમામ વસ્તુઓ બનાવવા માટે વપરાયેલી કાચી સામગ્રી સીધી જ ઉત્તર-પૂર્વના રાજ્યોમાંથી મંગાવવામાં આવી હતી.

આ નિમંત્રણ કાર્ડનો મુખ્ય હેતુ શું છે?

રાષ્ટ્રપતિ ભવનમાં કુલ 950 જેટલા નિમંત્રણ પત્રોની ડિલિવરી કરી દેવામાં આવી છે. આ પ્રયાસ પાછળનો મુખ્ય હેતુ સ્થાનિક કારીગરોની હસ્તકલાને પ્રોત્સાહન આપવાનો અને તેમને વૈશ્વિક સ્તરે વિઝિબિલિટી અપાવવાનો છે. અગાઉના વર્ષોમાં પણ આ પ્રકારના ઇન્વિટેશન કાર્ડને કારણે કારીગરોની કળા પ્રત્યે લોકોમાં જાગૃતિ અને રસ વધ્યો છે.



Source link

Related Articles

Back to top button