અમદાવાદના પાલડીમાં AMCની મોટી કાર્યવાહી, મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો જમીનદોસ્ત | AMC Demolishes Illegal Bungalow of Mustafa Manekchand in Ahmedabad’s Paldi Area

![]()
Demolition In Ahmedabad: અમદાવાદના પોશ ગણાતા પાલડી વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગેરકાયદે બાંધકામ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલડીના કોચરબ આશ્રમ પાછળ આવેલી નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા માણેકચંદના બંગલામાં થયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી આજે (16મી જાન્યુઆરી) ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી છે.
પોલીસ કાફલા સાથે AMCનું ઓપરેશન
AMCની ટીમ અને પોલીસ કાફલો આજે સવારથી જ નૂતન સર્વોદય સોસાયટી પહોંચી ગયા હતા. કોઈ પણ પ્રકારનો વિરોધ કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે આખા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તંત્ર દ્વારા બંગલાના જે ભાગમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું, તેને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન લોહીયાળ જંગ! ફતેવાડી અને મકરબામાં નજીવી બાબતે હિંસક હુમલા
આ કાર્યવાહી પાછળ લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ અને રાજકીય રજૂઆત કારણભૂત હોવાનું મનાય છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે કોચરબ આશ્રમની આસપાસ થતા ગેરકાયદે બાંધકામો અને અશાંતધારાના ભંગ અંગે ઉચ્ચ સ્તરે પત્ર લખીને ગંભીર રજૂઆત કરી હતી. ધારાસભ્યના પત્ર બાદ સર્જાયેલા વિવાદને પગલે AMC તંત્ર સફાળું જાગ્યું હતું અને કાયદાકીય જોગવાઈઓના ભંગ બદલ નોટિસ બાદ આજે તોડપાડની કાર્યવાહી હાથ ધરી છે.
વિસ્તારમાં ચર્ચાનો વિષય
પાલડી જેવા રહેણાંક વિસ્તારમાં નામાંકિત વ્યક્તિના બંગલા પર તંત્રનો હથોડો વાગતા આસપાસના રહીશોમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અશાંતધારા અને ગેરકાયદે બાંધકામ મામલે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને કારણે અન્ય ગેરકાયદે બાંધકામ કરનારા તત્ત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.



