ગુજરાત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે યોજાયેલી સાયકલ રેલીનું જામનગરમાં પોલીસ વિભાગ દ્વારા સ્વાગત કરાયું | cycle rally organized by Gujarat Police under ‘No Drugs Campaign’ was welcomed in Jamnagar

Jamnagar : ગુજરાત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે સૌરાષ્ટ્રના સાગર કિનારાઓ વિસ્તારમાં સાયકલ રેલી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાયકલીસ્ટોની ટીમ જામનગર શહેરમાં પ્રવેશતાં સાયકલ રેલીનું જામનગરમાં પોલીસ વિભાગ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા એનજીઓના સહયોગથી લોકોને માદક દ્રવ્યોના વિરૂધ્ધમાં જાગૃત કરવા માટે નો ડ્રગ્સ કેમ્પેઇન અંગે તા. 12.1.2026 થી 22.1.2026 સુધી 11 દિવસ માટે નારાયણ સરોવરથી દમણ સુધી કુલ 1400 કિલોમીટરનું અંતર કાપી કુલ-16 સાયક્લીસ્ટો દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓના વિસ્તારોમાં સાયકલ રેલી કરી ડ્રગ્સ વિરોધી જાગૃતિ ફેલાવવાનું અમુલ્ય કામ શરૂ કરવામાં આવ્યું છે.

જે તમામ 16 સાયક્લીસ્ટો પોતાના સાયકલ રેલીના પ્રવાસ અંતર્ગત ગઈકાલે જામનગર જીલ્લામાંથી પસાર થયા હતા. દરમિયાન રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં લોકોને માદક દ્રવ્યોના વિરુધ્ધમાં જાગૃતી લાવવા માટે સૂચના આપી હતી. જેથી જામનગર એસ.ઓ.જી.ની ટીમ દ્વારા લાખોટા તળાવ ખાતે આ સાયક્લીસ્ટોને આવકારી તેમના ડ્રગ્સ જન જાગૃતિના કાર્ય આગળ ધપાવવા તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આ સાયકલ રેલી દરમ્યાન જાહેર સ્થળોએ નશીલા પદાર્થોના વેચાણ, સંગ્રહ અથવા હેરાફેરી અંગે કોઈ પણ માહિતી માટે નાગરિકોને રાજ્ય સરકારના ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1908 પર સંપર્ક કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.



