શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, હવે મતદાન સમયે માર્કર પેનનો ઉપયોગ નહીં થાય | maharashtra state election commission orders probe marker pen ban zilla parishad elections

Marker Pens Banned for Upcoming Zilla Parishad Elections: મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લેતા હવે પછીની ચૂંટણીઓમાં શાહી માટે માર્કર પેનનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આગામી જિલ્લા પરિષદની ચૂંટણીઓથી આ નવો નિયમ લાગુ થશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ BMC(મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણી દરમિયાન આંગળી પરની શાહી સરળતાથી ભૂંસાઈ જવાને કારણે સર્જાયેલો વિવાદ છે.
શું છે આખો ‘શાહી વિવાદ’?
BMC ચૂંટણી દરમિયાન મતદાન કર્યા પછી મતદારોની આંગળી પર જે ‘અમીટ શાહી’ લગાવવામાં આવે છે, તે સરળતાથી નીકળી જતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મુદ્દો ત્યારે વધુ ગરમાયો જ્યારે કલ્યાણના MNS ઉમેદવાર ઉર્મિલા તાંબેએ સૌથી પહેલા આ અંગે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ જાણીજોઈને આવી નબળી શાહી વાપરે છે જેથી સત્તાધારી પક્ષને ફાયદો થાય અને નકલી વોટિંગ કરાવી શકાય.
ઉર્મિલા તાંબેની ફરિયાદ બાદ જ્યારે મીડિયાકર્મીઓએ આની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે આંગળી પર એસીટોન(Acetone) લગાવતા જ શાહી તરત જ સાફ થઈ ગઈ હતી.
ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર
વિપક્ષી શિવસેના(UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું. તેમણે ચૂંટણી પ્રક્રિયાની ખામીઓ ગણાવતા એવો આરોપ લગાવ્યો કે, વોટ આપ્યા પછી આંગળી પર લગાવવામાં આવતી શાહી બહુ આસાનીથી ભૂંસાઈ જાય છે. આ મામલે ચૂંટણી પંચની જવાબદારી નક્કી થવી જોઈએ.
બીજી તરફ, BMC કમિશનર ભૂષણ ગગરાણીએ પણ આ વાત સ્વીકારી છે કે માર્કર પેનથી કરવામાં આવેલું નિશાન કાયમી નથી અને તેને સહેલાઈથી સાફ કરી શકાય છે. જોકે, ચૂંટણી પંચના જનસંપર્ક અધિકારી(PRO)એ બચાવ કરતા કહ્યું કે, ‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ એક જૂની પદ્ધતિ છે. વર્ષ 2012થી જ ચૂંટણીઓમાં માર્કર પેનનો ઉપયોગ કરવામાં આવે છે અને આ વખતે પણ એ જ પદ્ધતિ અપનાવવામાં આવી છે.’
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપ
આ વિવાદ અંગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આકરું વલણ અપનાવતા કહ્યું કે, ‘ચૂંટણી પંચ નાગરિકોને ભ્રમિત કરી રહ્યું છે. વોટની ચોરી કરવી એ રાષ્ટ્રવિરોધી કામ છે. જેના કારણે લોકશાહીમાં વિશ્વાસ ઘટે છે, જે ચિંતાજનક છે.’
સત્તાધિશો અને ચૂંટણી પંચની સ્પષ્ટતા
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું છે કે, ‘આંગળી પર લગાવેલી શાહી ભૂંસવાનો પ્રયાસ કરીને મતદારોમાં ગેરસમજ ઉભી કરવી એ એક પ્રકારની ગેરરીતિ છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ આંગળી પરની શાહી ભૂંસીને ફરીથી મતદાન કરવા જશે, તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ રાજ્ય ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, શાહી ભૂંસીને ગરબડ કરવાનો પ્રયાસ કરનાર મતદાર કોઈ પણ સંજોગોમાં ફરીથી વોટ આપી શકશે નહીં.
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે આ અંગે વધુમાં કહ્યું કે, ‘આ બાબતે પહેલેથી જ પૂરતી સાવચેતી રાખવામાં આવી રહી છે. દરેક મતદારના મતદાનનો રેકોર્ડ રાખવામાં આવે છે, તેથી માત્ર શાહી ભૂંસી નાખવાથી ફરી મતદાન કરવું શક્ય નથી. તમામ અધિકારીઓને આ બાબતે સતર્ક રહેવા માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.’



