મ્યુનિ.હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં બે દિવસમાં દોરીથી ઈજા પામવાના૧૪૦ થી વધુ કેસ નોંધાયા | Municipal Hospital Community Health Center

![]()
અમદાવાદ,ગુરુવાર,15
જાન્યુ,2026
અમદાવાદમાં ૧૪ અને ૧૫ જાન્યુઆરી એમ બે દિવસમાં દોરીથી ઈજા
પામવાના ૧૪૦થી વધુ કેસ નોંધાયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ,
કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ઉત્તરાયણના પર્વને ધ્યાનમા લઈ
ખાસ સારવાર વ્યવસ્થા કરાઈ હતી. એલ.જી.હોસ્પિટલમાં ૪૬થી વધુ, વી.એસ.હોસ્પિટલમાં
૨૩ લોકોને સારવાર અપાઈ હતી. ૮ લોકોને ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ હતી. પતંગથી
ઈજા પહોંચવાના પણ પાંચ બનાવ નોંધાયા હતા.
કોર્પોરેશન તરફથી એલ.જી.હોસ્પિટલ ઉપરાંત શારદાબેન, વી.એસ.હોસ્પિટલ, એસ.વી.પી.
હોસ્પિટલ તથા નગરી આંખની હોસ્પિટલ ઉપરાંત ૧૨ જેટલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે
મેડીકલ ઓફિસર સાથે ટીમ પતંગ પર્વ દરમિયાન ઈજા પામનારા લોકોને તાત્કાલિક સારવાર મળી
રહે તે માટે સ્ટાફને ફરજ ઉપર મુકવામા આવ્યો હતો. વી.એસ.હોસ્પિટલમાં ૨૨ લોકોને
આઉટડોર પેશન્ટ તરીકે જયારે એક પેશન્ટને ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ હતી.
એસ.વી.પી.હોસ્પિટલમાં બે દિવસમાં છ લોકોને આઉટડોર તથા એક વ્યકિતને ઈન્ડોર પેશન્ટ
તરીકે સારવાર આપવામા આવી હતી. પતંગથી ઈજા થવાના બનાવમાં ૧૩ જાન્યુઆરીના રોજ બે તથા
૧૪ જાન્યુઆરીના રોજ ત્રણ બનાવ નોંધાયા હતા. આ પૈકી એક ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ હોવાનુ
સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.



