ઉત્તરાયણમાં પતંગની દોરી જીવલેણ બની, 5400થી વધુ પક્ષી ઘાયલ, 9 ટકાના મૃત્યુ થયા | Kite string turns deadly in Uttarayan more than 5400 birds injured 9% die

![]()
|
પ્રતિકાત્મક તસવીર : IANS |
Makar Sankranti News : ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાંથી 5439 પક્ષીઓ પતંગની કાતિલ દોરીથી ઘાયલ થયા હતા. જેમાંથી 4937એટલે કે 91 ટકા પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કરૂણા અભિયાન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા 9 વર્ષમાં 1.03 લાખ પશુ-પક્ષીને રેસ્ક્યુ કરાયા છે, જેમાંથી 1.03 લાખને યોગ્ય સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા છે.
હેલ્પ લાઈન ‘1962′ દ્વારા જારી માહિતી અનુસાર ગત વર્ષની સરખામણીએ પશુ સંબધિત ઈમર્જન્સીના કેસમાં 25 ટકાનો ઘટાડો જ્યારે પક્ષી સંબધિત ઈમર્જન્સીના કેસમાં સામાન્ય દિવસ કરતાં 1669 ટકાનો વધારો થયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો ઈમર્જન્સી કેસમાં અમદાવાદમાં 85 ટકા, અરવલ્લીમાં 103 ટકા, સુરતમાં 75 ટકા, જામનગરમાં 54 ટકા જેટલો વધારો નોંધાયો છે.
અમદાવાદમાં સામાન્ય દિવસોમાં પશુ-પક્ષીની ઈમર્જન્સીના 101ની સામે ઉત્તરાયણના 186 કોલ્સ નોંધાયા હતા. જેમાં પશુ ઘાયલ થવાના 107, પક્ષી ઘાયલ થવાના 79 કેસનો સમાવેશ થાય છે. પક્ષી ઘાયલ થવાનો આ આંક હજુ આગામી બે દિવસમાં વધવાની સંભાવના છે.
એરપોર્ટના રન-વેથી પાંચ હજાર પતંગ દૂર કરાયા
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે ઉત્તરાયણ દરમિયાન રન-વે પર આવીને વિમાનના ટેક્ ઓફ્-લેન્ડિંગમાં વિક્ષેપ પાડતાં પતંગને હટાવવા માટે 12 સભ્યોની ખાસ ટીમ બનાવાઈ હતી. આ ટીમ દ્વારા રન-વે પરથી પાંચ હજાર જેટલા પતંગને દૂર કરવામાં આવ્યા હતા. પતંગ હટાવવા માટે બનેલી ખાસ ટીમને કારણે વિમાનનું ટેક્ ઓફ્-લેન્ડિંગ કોઈ વિઘ્ન વિના થઈ શક્યું હતું.



