‘નોબેલ શાંતિ પુરસ્કાર’ મેળવવાથી વંચિત રહી ગયેલા ટ્રમ્પને ઇઝરાયલે આપ્યો ખાસ ‘શાંતિ પુરસ્કાર’ | benjamin netanyahu announces israel peace prize for donald trump after florida talks report

Donald Trump Israel Peace Prize Award 2025: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજીવાર સત્તા પર આવ્યા છે ત્યારથી તેઓ અવનવા સમાચાર સર્જતા રહે છે. ક્યારેક તેઓ ટેરિફનો કોરડો ઝીંકીને આખી દુનિયામાં અપ્રિય બની જાય છે તો ક્યારેક યુદ્ધો રોકવાના દાવા કરીને વિશ્વભરમાં હીરો બનવાના પ્રયાસ કરે છે. આ વર્ષે સામે ચાલીને નોબેલ શાંતિ પુરસ્કાર માંગીને તેઓ હાંસીપાત્ર બન્યા હતા. એ પુરસ્કાર ન મળ્યાનો અસંતોષ પણ તેમણે જતાવ્યો હતો. હવે એ અસંતોષ ઓછો થાય એવું પગલું ટ્રમ્પના મિત્ર અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભર્યું છે. તેમણે ટ્રમ્પને ઇઝરાયલના સર્વોચ્ચ સન્માન ‘ઇઝરાયલ પુરસ્કાર’ આપવાનો નિર્ણય લીધો છે. આ પુરસ્કાર પહેલીવાર શાંતિની શ્રેણીમાં આપવામાં આવશે.
80 વર્ષનો નિયમ તોડ્યો
આ પુરસ્કાર ઇઝરાયલનું સર્વોચ્ચ સાંસ્કૃતિક સન્માન ગણાય છે. 80 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ બિન-ઇઝરાયલી વ્યક્તિને આ પુરસ્કાર આપવામાં આવશે. મિત્ર ટ્રમ્પને ખુશ કરવા માટે નેતન્યાહૂએ આ નિયમ તોડ્યો છે. નેતન્યાહૂએ સોમવાર, 29 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે, ‘ટ્રમ્પે ઘણા નિયમો તોડ્યા છે, તેથી અમે પણ એક નિયમ તોડીને તેમને આ પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે. આ પુરસ્કાર આતંકવાદ સામેની લડાઈમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને આપેલા યોગદાનનું સન્માન કરે છે.’
ડોનાલ્ડ ટ્રમ્પે શું પ્રતિભાવ આપ્યો?
‘શાંતિ માટે ઇઝરાયલ પુરસ્કાર’ મળવાની જાહેરાત સાંભળીને ટ્રમ્પે આનંદ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘આ ખરેખર આશ્ચર્યજનક અને ખૂબ પ્રશંસાપાત્ર પગલું છે.’
નોબેલ ન મળ્યાનો ટ્રમ્પનો અસંતોષ
ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી નોબેલ શાંતિ પુરસ્કારની આકાંક્ષા રાખતા હતા. વિશ્વના ઘણા યુદ્ધો રોકવામાં તેઓ નિમિત્ત બન્યા હોવાનું ગાણું ગાઈને તેઓ સામે ચાલીને શાંતિ પુરસ્કાર માંગતા હતા, જે બદલ તેઓ હાંસીપાત્ર પણ બન્યા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડવા માટે તેમણે કરેલા પ્રયત્નોનો તો તેમણે વારંવાર ઉલ્લેખ કર્યો હતો. છતાં, નોબેલ કમિટીએ તેમને આ પુરસ્કાર આપ્યો નહીં, જે બાબતે ટ્રમ્પે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
FIFAએ પણ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર આપ્યો છે
અગાઉ ફૂટબોલની આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ફિફા'(FIFA) પણ ટ્રમ્પને એક વિશેષ શાંતિ પુરસ્કાર આપી ચૂકી છે. 2026 ફિફા વર્લ્ડ કપના ડ્રો સમારોહમાં ફિફા પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનોએ ટ્રમ્પને ‘પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર’થી સન્માનિત કર્યા હતા. આ પુરસ્કાર ફિફા કાઉન્સિલની મંજૂરી લીધા વિના જ ઇન્ફન્ટિનો દ્વારા ખાસ બનાવવામાં આવ્યો હતો. ટ્રમ્પની વૈશ્વિક શાંતિમાં ભાગીદારીને માન્યતા આપવા માટે અપાયેલો આ પુરસ્કાર ચર્ચાસ્પદ બન્યો હતો. બરાબર એ જ રીતે નેતન્યાહૂ દ્વારા ટ્રમ્પ માટે જાહેર કરાયેલો ‘કસ્ટમ-મેઇડ શાંતિ પુરસ્કાર’ પણ ચર્ચાનો વિષય બની ગયો છે.


