ફિલ્મ ફલોપ થતાં કરણ જોહરે કાર્તિક પાસેથી ફીના પૈસા પાછા લઈ લીધા | Karan Johar took back the fee from Kartik Aaryan after the film flopped

![]()
– કરણ જોહરનો ફિલ્મનો ખર્ચો પણ ન નીકળ્યો
– કરણ સાથે હજુ સંબંધો સારા છે અને વધુ ફિલ્મો સાથે કરશે તેવો કાર્તિકનો પ્રચાર
મુંબઈ : કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ફિલ્મ ‘તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુ મેરી’ ટિકિટબારી પર સદંતર ફલોપ જતાં કાર્તિક આર્યને પોતાની ફીની રકમ કરણ જોહરને પાછી આપી દેવી પડી હોવાનુું કહેવાય છે.
આ ફિલ્મ આશરે ૯૦ કરોડના ખર્ચે બની હતી. તેમાં એકલા કાર્તિક આર્યનને જ ૫૦ કરોડની ફી અપાઈ હોવાનું કહેવાય છે. પરંતુ ટિકિટબારી પર આ ફિલ્મ પહેલા જ દિવસથી ફલોપ થઈ ગઈ હતી. પહેલા જ દિવસે કેટલાંય સ્થળે ફિલ્મને પૂરતા પ્રેક્ષકો ન મળતાં શો કેન્સલ કરવાનો વારો આવ્યો હતો. બીજા દિવસથી તો સંખ્યાબંધ સ્ક્રીન પરથી આ ફિલ્મ ઉતારી લેવામાં આવી હતી.
કાર્તિક આર્યન પોતાની જાતને નવી પેઢીનો સૌથી સેલેબલ સ્ટાર માનવા માંડયો હતો અને તેના કારણે તેણે બોલિવુડના અનેક દિગ્ગજ નિર્માતાઓ સાથે દુશ્મની પણ વ્હોરી લીધી હતી. પરંતુ, આ ફિલ્મનો રકાસ થતાં તેના પગ જમીન પર આવી ગયા છે. તેણે કરણ જોહરને ૧૫ કરોડ રુપિયા પાછા આપી દેવા પડયા છે.
બોલિવુડ વર્તુળોમાં ચર્ચા છે કે આ ફિલ્મમાં કાર્તિક આર્યનની ઓવર એક્ટિંગ તથા બોક્સ ઓફિસ પર તેની ઝીરો વેલ્યૂ જોતાં કરણ જોહરે ભવિષ્ય્માં તેને રીપિટ નહિ કરવાનું નક્કી કરી લીધું છે.
જોકે, કાર્તિકની ટીમ એવો પ્રચાર કરી રહી છે કે ફિલ્મ ફલોપ જવા છતાં કરણ સાથે તેના સંબંધો સારા છે અને તેઓ હજુ વધુ ફિલ્મો સાથે કરવાના છે.
કાર્તિકની ટીમ એવો પણ પ્રચાર કરી રહી છે કે કરણે ફી પાછી માગી ન હતી પરંતુ આ તો કાર્તિકે જ સૌજન્ય ખાતર સામે ચાલીને પોતાની ફીના ૧૫ કરોડ રુપિયા પાછા આપી દીધા છે.



