गुजरात

મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસના સાહેદ ઉપર હુમલો : પેરોલ જમ્પ હેડ કોન્સ્ટેબલ સામે શંકા | Attack on witness in Mundra custodial death case: Suspicion against parole jumping head constable



વર્ષ-2021માં પોલીસના મારથી બબ્બે લોકોના મોત થયા હતા

આ કેસના મહત્વના સાહેદ ઉપર અજાણ્યા શખ્શોએ હુમલા અંગે મુંદરા ચારણ સમાજ દ્વારા હુમલાની તટસ્થ તપાસ કરવા અને ભાગેડૂ શક્તિસિંહને પકડવા માંગ

ભુજ: મુંદરા પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષે પહેલા બે વ્યકિતઓના કસ્ટોડીયલ ડેથ કેસમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ પાલારા જેલમાંથી પેરોલ જમ્પમાંથી બે અઠવાડિયાથી ફરાર છે તે વચ્ચે ગત તારીખ ૧૩ની રાત્રિના આ પ્રકરણમાં મહત્વના સાહેદ એવા મુંદરા તાલુકા ક્ષત્રિય સમાજના અગ્રણી એવા ધારાશાસ્ત્રી વિજયસિંહ અજિતસિંહ જાડેજા પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાની ગંભીરતાને લક્ષમાં લઈને મુંદરા તાલુકા ચારણ સમાજ દ્વારા હુમલાના બનાવને વખોડી કાઢી તમામ સાહેદોની સલામતી અને જાનમાલની રક્ષા કરવામાં આવે અને શક્તિસિંહ તેમજ મળતીયાઓને પકડી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે, પાંચ વર્ષ પહેલા તા.૧૨/૧/૨૦૨૧થી તા.૧૯/૧/૨૦૨૧ દરમિયાન અરજણ ખેરાજ ગઢવી, હરજોગ હરી ગઢવી અને શામરા પબુ ગઢવીને મુંદરા પોલીસ સ્ટેશનના ડી- સ્ટાફના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ તથા તેના સાગરીતો દ્વારા મુંદરા પોલીસ મથકમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ગંભીર ઈજાઓના કારણે તા.૧૯/૧/૨૧ના અરજણ ખેરાજનું પોલીસ સ્ટેશનમાં જ મોત નિપજયું હતું. જયારે ગંભીર ઈજાઓનો ભોગ બનેલા હરજોગ ગઢવીને ભુજ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તા.૬/૨/૨૧ના સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મૃત્યુ થયું. આમ, મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી- કર્મચારીઓના મારના કારણે બે વ્યકિતઓના મોત થયાની ચર્ચાસ્પદ ઘટનામાં ડી સ્ટાફના ત્રણ પોલીસ કર્મચારીઓ બે મહિના ફરાર થઈ ગયા હતા. મહિનાઓ બાદ શકિતસિંહ ગોહિલ, અશોક લીલાધર કનાદ અને જયદેવસિંહ અજિતસિંહ ઝાલા ન પકડાતા એડીશ્નલ ચીફ જયુ.મેજી. મુંદરા દ્વારા આરોપીઓ નાસતા ફરતા હોઈ તેમની સામે સીઆરપીસીની કલમ ૭૩ મુજબ ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યો હતો અને આખરે ૬૫ દિવસ બાદ તેઓની અટક થઈ હતી.

આ બનાવમાં કુલ ૧૦ આરોપીઓ સામે ચાર્જસીટ થઈ હતી જેમાં, છેલ્લા પાંચ વર્ષથી આરોપીઓ સામે ટ્રાયલ ચાલી રહી છે. છેલ્લા છ માસથી આ ટ્રાયલ ત્રણેય આરોપીઓની દલીલ પર ચાલી રહી છે. તે  દરમિયાન પાલારા જેલમાંથી તા. ૨૪/૧૨/૨૦૨૫થી તા.૨/૧/૨૦૨૬ સુધી શક્તિસિંહ ગોહિલે ગુજરાત હાઈકોર્ટમાંથી દસ દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. તા.૩/૧/૨૦૨૬ના શક્તિસિંહને હાજર થવાની સ્પષ્ટ સમજણ આપવામાં આવી હોવા છતાં તે લાપતા થઈ ગયો છે. શક્તિસિંહ પાલારા જેલમાં કે ભુજ ચીફ કોર્ટમાં પણ હાજર થયો નથી.

આરોપીનો ભાગી જવાનો ઈતિહાસ અને ફરાર રહેવું તે કારણોને ધ્યાને રાખીને સ્પે.પબ્લીક પ્રોસીક્યુટર અનિલભાઈ આર.દેસાઈ દ્વારા બિનજામીનલાયક ધરપકડ વોરંટ ઈસ્યુ કરવા માંગણી કરાઈ છે. 

આ કેસ એડિશનલ સેશન્સ જજ ભુજ કોર્ટ સમક્ષ પાંચ વર્ષથી ચાલી રહ્યો છે તે વચ્ચે આ કેસમાં મહત્વના સાહેદ વિજયસિંહ અજિતસિંહ જાડેજા સમાઘોઘા (એડવોકેટ- મુંદરા) ઉપર તા.૧૩/૧ના રાત્રિના ૧૦.૧૫ વાગ્યાના અરસામાં હુમલો થયો છે. ફરિયાદી દેવરાજ રતન ગઢવી અને સાહેદ વિજયસિંહ જાડેજા બંને આદર્શ ટાવર બિલ્ડિંગમાં એક જ ઓફિસમાં વકીલાતનો વ્યવસાય કરે છે. ત્યારે, તા.૧૩/૧ના રાત્રીના ૧૦.૧૫ના અરસામાં વિજયસિંહ પોતાની ગાડીથી પોતાના ઘરે જવા નીકળેલ ત્યારે પાછળથી નંબર વગરની વાઈટ સ્વીફટ ડિઝાયર ગાડી ભટકાવેલ અને વિજયસિંહને બહાર ઉતારી વાઈટ સ્વીફટમાંથી એક વ્યકિત આવીને વાતચીત કરેલ જયારે બીજા બે વ્યકિતઓએ હથિયારો વડે હુમલો કર્યો હતો. વિજયસિંહે પ્રતિકાર કરતા હુમલાખોરો નાસી ગયા હતા. 

આ હુમલો થવાનું કારણ વિજયસિંહ આ કેસમાં મહત્વના સાહેદ છે જયારે આ કેસનો આરોપી શક્તિસિંહ છેલ્લા બે અઠવાડિયાથી નાસતો ફરતો ફરે છે. ત્યારે, મુંદરા તાલુકા ચારણ સમાજ દ્વારા કેસની ગંભીરતાને લઈને આ કેસના મહત્વના સાહેદો ઉપર અસામાજીક તત્વો કે આરોપીઓ દ્વારા હુમલાઓ કરવામાં આવશે તો સાહેદોની જાન જોખમમાં મુકાશે. જેથી, વિજયસિંહ ઉપર હુમલો થવાના બનાવમાં તલસ્પર્શી તપાસ કરી ગુનેગારોની ધરપકડ કરી કાયદા મુજબ સજા કરાય તેવી માંગ કરાઈ છે.  

 ફરાર આરોપી શક્તિસિંહ તેની સાથેના અસામાજિક તત્વોની મદદથી આવી રીતે આ કામના અન્ય સાહેદોને યેનકેન પ્રકારે ડરાવી ધમકાવી કે હુમલો કરાવીને તેમના જાનમાલ પર ખતરો ઊભો કરીને સમગ્ર કેસ નબળો પાડી દેવાની હાલ નીચ ચેષ્ટા કરી રહ્યો છે. 



Source link

Related Articles

Back to top button