યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવશે ભારત! વિદેશ મંત્રાલયની તૈયારીઓ શરૂ | india prepares to rescue students strained in iran advisory issued

![]()
Breaking news: ઈરાનમાં વણસતી રાજકીય સ્થિતિ અને સંભવિત યુદ્ધના ભય વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવી રહેલી ધમકીઓના પગલે ભારત સરકાર હાઈ એલર્ટ પર છે. વિદેશ મંત્રાલય ઈરાનમાં વસતા ભારતીયો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છે.
ભારતીય દૂતાવાસ દ્વારા માહિતી એકત્રિત કરવાની કામગીરી તેજ
ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે દેશના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા નાગરિકો અને વિદ્યાર્થીઓની વિગતો મેળવવાનું શરૂ કર્યું છે. જોકે, ઈરાનના અનેક ભાગોમાં ઈન્ટરનેટ સેવા ખોરવાયેલી હોવાથી સંપર્ક કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયે છેલ્લા 10 દિવસમાં ઈરાન અંગે બે મોટી એડવાઈઝરી જારી કરી છે.
નાગરિકોને ઈરાન છોડવા અને પ્રવાસ ટાળવા ભલામણ
ભારતીય દૂતાવાસે નવી એડવાઈઝરી જારી કરતા વિદ્યાર્થીઓ, તીર્થયાત્રીઓ, વેપારીઓ અને પ્રવાસીઓ સહિત તમામ ભારતીયોને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ કે પરિવહનના અન્ય સાધનો દ્વારા તાત્કાલિક ઈરાન છોડવા અપીલ કરી છે. આ સાથે જ ભારતીય નાગરિકોને હાલ પૂરતો ઈરાનનો પ્રવાસ ન ખેડવા પણ સૂચના અપાઈ છે. આ ગંભીર સ્થિતિ અંગે ભારત અને ઈરાનના વિદેશ મંત્રીઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત પણ થઈ છે.
ઈરાનમાં આર્થિક અને રાજકીય કટોકટી
ઈરાની કરન્સી ‘રિયાલ’ના મૂલ્યમાં થયેલા ઐતિહાસિક ઘટાડાને કારણે તેહરાન સહિત ઈરાનના તમામ ૩૧ પ્રાંતોમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. જે આર્થિક સંકટ સામેનું આંદોલન હતું તે હવે રાજકીય પરિવર્તનની માંગમાં ફેરવાઈ ગયું છે. વિદેશ મંત્રાલયે 5 જાન્યુઆરી, 2026 ના રોજ જારી કરેલી એડવાઈઝરીમાં ભારતીયોને સાવચેતી રાખવા અને પ્રદર્શનો વાળા વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના આપી હતી.



