બગસરા નગરપાલિકામાં પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતાં હોવાનો આક્ષેપ, હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ | Gujarat HC on Bagasra Female President’s Husband Running Office in amreli

![]()
Gujarat HC On Bagasra Municipality President : અમરેલીના બગસરામાં નગરપાલિકામાં મહિલા પ્રમુખના સ્થાને તેના પતિ દ્વારા વહીવટી ચલાવાતો હોવાની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને લઈને હાઈકોર્ટે સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા છે. તેમજ કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે, ‘ચૂંટણી લડવાની યોગ્યતા ન હોય તો ન લડવી જોઈએ.’
બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રીબડીયા છે, પરંતુ તેમના પતિ અરવિંદ રીબડીયા પ્રમુખની કામગીરી કરતાં હોવાની ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. મહિલા પ્રમુખના પતિ દ્વારા સત્તા ચલાવવામાં આવતી હોવાને લઈને અરજદારે સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પરંતુ સ્થાનિક સત્તાધિકારી દ્વારા કોઈ પ્રકારે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા અંતે અરજદારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.
અરજીમાં મહિલા પ્રમુખના પતિ પ્રમુખની ખુરશી પર બેસીને નગરપાલિકાના નિર્ણય, ઠરાવો સહિતની કામગીરી કરતાં હોવાની વિગત અને ફોટોગ્રાફ પણ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ અરવિંદ રીબડીયા ખોટી રીતે પ્રમુખની કામગીરી કરીને ખોટા બીલો બનાવીને નાણાંકીય ઘાલમેલ તેમજ નગરપાલિકાને મળતા ફંડનો દુરુપયોગ કરતાં હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો હતો.
સમગ્ર મામલે હાઈકોર્ટે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓને તપાસ કરીને કાયદાકીય પગલાં લેવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. આ સાથે હોઈકોર્ટે કહ્યું કે, ‘મહિલા પ્રમુખની ખુરશી પર તેમના પતિ કઈ રીતે બેસી શકે?’



