‘કોઈ રોકડ મળી નથી, જો પોલીસ નિષ્ફળ જાય, તો મારા વિરુદ્ધ મહાભિયોગ કેમ?’, પેનલ સામે જસ્ટિસ વર્માનું નિવેદન | National News justice yashwant varma on mahabhiyog Lok Sabha Parliamentary Inquiry Committee

![]()
National News: પોતાની સામે મહાભિયોગનો સામનો કરી રહેલા અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્મા સુપ્રીમ કોર્ટથી ઝટકો મળ્યા બાદ આખરે સંસદીય તપાસ સમિતિ સામે હાજર થયા છે. લોકસભા સ્પીકર દ્વારા આ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ દરમિયાન તેમણે પોતે નિર્દોષ હોવાનું રટણ કરતાં કહ્યું છે કે દિલ્હી સ્થિત તેમના સરકારી નિવાસસ્થાને જ્યારે આગ લાગી હતી ત્યારે તે ઘરે હાજર ન હતા. ત્યાંથી કોઈ કેશ જપ્ત કરવામાં આવી નથી.
જસ્ટિસ યશવંત વર્માએ શું શું કહ્યું?
ખાનગી રિપોર્ટ મુજબ, જસ્ટિસ યશવંત વર્માએ તપાસ કમિટીને કહ્યું કે જ્યારે ઘટના ઘટી ત્યારે તે પહેલા વ્યક્તિ ન હતા કે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેથી પોલીસ અને ફાયર વિભાગની કથિત લાપરવાહીઓ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. જો પોલીસ અધિકારી તેમના નિવાસસ્થાનને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ ગયા રહ્યા તો તેનું પરિણામ અમે કેમ ભોગવીએ, શું અમારા વિરુદ્ધ મહાભિયોગ લાવવો જોઈએ? ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ જરૂરિયાતના હિસાબે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
મહાભિયોગથી બચવા ધારદાર રજૂઆતો
તપાસ સમિતિ સમક્ષ વધુમાં જસ્ટિસ વર્મા એ પણ ટાંક્યું કે ઘટના જે સમય બની ત્યારે કોઈ કેશની રિકવરી કરવામાં આવી નથી. કેશ મળવાના દાવાઓ પછી સામે આવ્યા, જો હું બનાવ સ્થળે હાજર જ ન હતો અને પહેલા વ્યક્તિ ન હતો, તો મને કેશને સુરક્ષિત કરવાના આરોપનો જવાબદાર કેમ ઠેરવી શકાય? તે જગ્યા ત્યાં હાજર લોકોના કંટ્રોલમાં હતી. મહત્વનું છે કે ગયા વર્ષ સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત આંતરિક સમિતિએ એ નિષ્કર્ષ કાઢ્યો હતો કે જસ્ટિસ વર્મા અને તેમના પરિવારના સભ્યોનો જ્યાંથી કેશ સળગેલી હાલતમાં મળી ત્યાં એક્ટિવ કંટ્રોલ હતો.
જાણો શું છે કેશકાંડ ?
14 માર્ચે દિલ્હીના લુટિયન્સ સ્થિત જસ્ટિસ વર્માના નિવાસસ્થાને રાત્રે લગભગ 11:35 વાગ્યે આગ લાગી હતી. ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી હતી. આ દરમિયાન આગ ઓલવવા ગયેલા ફાયર બ્રિગેડને 500 રૂપિયાની બળી ગયેલી નોટોના બંડલ મળી આવ્યા હતા. આનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો. આ પછી જસ્ટિસ વર્મા પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. તત્કાલીન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી હતી અને જસ્ટિસ વર્માનું ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં કરી દેવામાં આવ્યું હતું.
ન્યાયિક કાર્ય વગર અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર
આ પછી મામલો વધુ વકર્યો હતો. આ પછી, ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. આમાં દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય દ્વારા પ્રાથમિક તપાસ અને દિલ્હી હાઇકોર્ટમાં જસ્ટિસ વર્મા પાસેથી ન્યાયિક કાર્ય છીનવી લેવા અને બાદમાં ન્યાયિક કાર્ય વિના તેમને અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
મહાભિયોગ થશે?
ઉલ્લેખનીય છે કે, માર્ચમાં જસ્ટિસ વર્માના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગ્યા બાદ અડધી સળગેલી નોટોના બંડલ મળી આવ્યા હતા જે અંગે જસ્ટિસ વર્માએ કોઈ જાણકારી હોવાનો ઈનકાર કર્યો હતો. આ મામલે તાત્કાલિક CJIના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કૉલેજિયમને જાણ કરાઈ હતી. જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક સમિતિએ ઘણા સાક્ષીઓના નિવેદનો નોંધ્યા બાદ જસ્ટિસ વર્માને આ માટે જવાબદાર ગણાવ્યા હતા. હાલમાં તેમની સામે મહાભિયોગ કરવો કે નહીં તે માટે સંસદની તપાસ સમિતિ કેસના દરેક પાસા ખંગાળી રહી છે.


