બીયુ પરમિશન, ફાયર એનઓસી વગર ઉપયોગ કરાતા એ-વન પાર્ટી પ્લોટ સીલ | A 1 party plots used without BU permission fire NOC sealed

![]()
– કરમસદ-આણંદ મહાનગરપાલિકાની કાર્યવાહી
– મનપાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ અપાઈ હતી, પરંતુ યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા ન હતા
આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલી એ-વન પાર્ટી પ્લોટના માલિક/કબજેદાર પાસે તેમની મિલકત સંબંધિત પુરાવા, પરવાનગી રજૂ કરવા મનપાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ અને ફાયર એન.ઓ.સી. રજૂ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. જે મામલે કોઈ યોગ્ય પુરાવાઓ રજૂ કરવામાં ન આવતા એ-વન પાર્ટી પ્લોટ સીલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા એ વન પાર્ટી પ્લોટના માલિક-કબજેદારને વાણિજ્ય હેતુની બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી (બીયુ) અને ફાયર એન.ઓ.સી. રજૂ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ એવન પાર્ટી પ્લોટના સંચાલક/ માલિક/કબજેદાર યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા ન હતા.
સક્ષમ સત્તાધિકારી પાસેથી કાયદા હેઠળની વિવિધ પરવાનગીઓ જેમાં વાણિજ્ય હેતુની બિનખેતી પરવાનગી, બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી (બીયુ) અને ફાયર એન.ઓ.સી. મેળવી ન હોવાનું મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમને જાણવા મળ્યું હતું. આ ઉપરાંત એ વન પાર્ટી પ્લોટના માલિક/ કબજેદાર/સંચાલક દ્વારા તેમની જમીનમાં કોઈપણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગ કરવામાં આવતો હતો.
આ ઉપરાંત આ પાર્ટી પ્લોટનો ઉપયોગ સામાજિક પ્રસંગો માટે કરવામાં આવતો હોવાથી અને મિલકતમાં માનવ મેદની એકત્રિત થતી હોવાથી માનવ જીવનની સલામતી માટે ફાયર એન.ઓ.સી. અત્યંત આવશ્યક હોવાથી સક્ષમ સત્તાધિકારી પાસેથી ફાયર એન.ઓ.સી. મેળવી ન હોવાથી મિલકતનો ઉપયોગ માનવ જીવન માટે અત્યંત જોખમકારક હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા એ વન પાર્ટી પ્લોટમાં ભવિષ્યમાં કોઈના જાન/માલને હાની ન પહોંચે તે માટે એ વન પાર્ટી પ્લોટને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યો છે.



