राष्ट्रीय

ચૂંટણી વાયદો પૂરો કરવા એક અઠવાડિયામાં 500 શ્વાનની હત્યા… તેલંગાણાની ચોંકાવનારી ઘટના | telangana mass dog killings kamareddy gram panchayat election promise


Stray Dogs Mass Killing in Telangana: એક તરફ દેશની સુપ્રીમ કોર્ટમાં રખડતા શ્વાનોના મુદ્દે ગંભીર સુનાવણી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ તેલંગાણામાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજ્યના કામરેડ્ડી અને હમનકોંડા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂરા કરવા માટે સ્થાનિક સરપંચોએ કથિત રીતે એક અઠવાડિયામાં 500 જેટલા શ્વાનોનો સફાયો કરી નાખ્યો છે. આ અમાનવીય કૃત્ય બદલ એનિમલ એક્ટિવિસ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઝેરી ઇન્જેક્શન આપી શ્વાનોનો સંહાર

માહિતી મુજબ, 12 જાન્યુઆરી, 2026ના રોજ ‘સ્ટ્રે એનિમલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા’ સાથે જોડાયેલા ગૌતમ નામના એક્ટિવિસ્ટે માચારેડ્ડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આરોપ છે કે પાલવાંચા મંડળના પાંચ ગામોમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં આશરે 200 શ્વાનોને ઝેરી ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવ્યા છે. સરપંચોના ઇશારે આ કામ કરવા માટે કિશોર પાંડે નામના વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. મંદિર પાછળના વિસ્તારમાં શ્વાનોના મૃતદેહો મળી આવતા આ ક્રૂરતાનો ખુલાસો થયો હતો.

ચૂંટણી વચન પાળવા જીવ લીધા

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોએ વચન આપ્યું હતું કે જો તેઓ જીતશે તો ગામમાં રખડતા શ્વાનો અને વાંદરાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવશે. સત્તામાં આવ્યા બાદ આ ‘ચૂંટણી વચન’ પૂરું કરવા માટે શ્વાનોને પકડવા અથવા સુરક્ષિત સ્થળે ખસેડવાને બદલે તેમને મારી નાખવાનો રસ્તો અપનાવવામાં આવ્યો છે.

હમનકોંડા જિલ્લામાં પણ 300 શ્વાનોની હત્યા

આ પહેલા હમનકોંડા જિલ્લાના શાયમપેટ અને અરેપલ્લી ગામોમાં પણ આવી જ ઘટના બની હતી. અહીં આશરે 300 શ્વાનોની હત્યાના કેસમાં બે મહિલા સરપંચો અને તેમના પતિ સહિત કુલ નવ લોકો સામે ગુનો નોંધાયો છે. આ કેસમાં પોલીસ અને પશુ ચિકિત્સકોની ટીમે જમીનમાં દફનાવવામાં આવેલા શ્વાનોના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

આ પણ વાંચો: ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં આગ લાગી, ફાયરબ્રિગેડના 3 વાહનો ઘટનાસ્થળે

પોલીસ કાર્યવાહી અને આક્રોશ

એનિમલ એક્ટિવિસ્ટ્સ આ ઘટનાને અત્યંત અમાનવીય ગણાવી રહ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ જ્યારે આ મુદ્દે ન્યાયિક રીતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે તેલંગાણામાં આ પ્રકારે પંચાયત પ્રતિનિધિઓ દ્વારા કાયદો હાથમાં લઈને કરાયેલી હિંસાએ ચર્ચા જગાવી છે.


ચૂંટણી વાયદો પૂરો કરવા એક અઠવાડિયામાં 500 શ્વાનની હત્યા... તેલંગાણાની ચોંકાવનારી ઘટના 2 - image



Source link

Related Articles

Back to top button