બાવળામાં સહજાનંદ સોસાયટીથી રજોડા જતો માર્ગ બિસ્માર, વાહન ચાલકોમાં રોષ | Sahajanand Society to Rajjoda in Bavla is disrepair anger among vehicle drivers

![]()
હાઈવેને જોડતા માર્ગ પર ઠેર-ઠેર ખાડાથી અકસ્માતનો ભય
બિસ્માર રોડ કોઇને ભોગ લે તે પહેલાં સત્વરે ડામર કે સીસી રોડ બનાવી માર્ગને પાકો કરવા લોકમાંગ
બગોદરા – બાવળાના સહજાનંદ સોસાયટી વિસ્તારથી રજોડા તરફ જતો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં હોવાને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ કાચો હોવાથી અને તેમાં મોટા ખાડાઓ પડી ગયા હોવાથી અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે.
મહત્વની વાત એ છે કે, આ માર્ગ માત્ર આંતરિક રસ્તો નથી, પરંતુ તે આગળ જતાં હાઈવે સાથે પણ જોડાય છે. આથી દરરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો, ટુ-વ્હીલર અને માલવાહક વાહનો અહીંથી પસાર થાય છે. રસ્તો કાચો હોવાથી ઉડતી ધૂળ અને ખાડાઓને કારણે વાહનચાલકોની કમર તૂટી રહી છે અને વાહનોમાં પણ નુકસાન થઈ રહ્યું છે.
ખાડાઓને કારણે વાહનો ફસાઈ જવાના બનાવો બને છે, જેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેથી હવે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે, તંત્ર આ માર્ગની ગંભીરતા સમજીને વહેલી તકે નવો રોડ મંજૂર કરે છે કે પછી વાહનચાલકોએ હજુ પણ આ યાતના ભોગવવી પડશે.



