दुनिया

સુપ્રીમ ટેરિફના વિરોધમાં ચુકાદો આપશે તો અમેરિકા બરબાદ થઈ જશે : ટ્રમ્પ | America will be ruined if Supreme Court rules against tariffs: Trump



– ટેરિફ નીતિ મુદ્દે પ્રમુખ ટ્રમ્પની સુપ્રીમ કોર્ટને કાકલુદી

– સુપ્રીમ મારા આદેશને નકારી કાઢશે તો અમેરિકાએ લાખો કરોડો ડોલરનું વળતર ચૂકવવું પડશે, જે અશક્ય છે : ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવતા જ દુનિયાના અનેક દેશો પર જંગી ટેરિફ નાંખીને ટ્રેડ વોર શરૂ કરવાની સાથે વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી દીધું હતું. પ્રમુખ ટ્રમ્પ હવે પોતાની જ ટેરિફ નીતિથી ગભરાઈ ગયા છે. ટ્રમ્પના ટેરિફ પર સુપ્રીમ કોર્ટનો ચૂકાદો ટૂંક સમયમાં આવવાનો છે ત્યારે ટ્રમ્પે સુપ્રીમ કોર્ટને કાકલુદી કરતા હોય તેમ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો ચૂકાદો તેમની ટેરિફ નીતિના વિરોધમાં આવશે તો અમેરિકા બરબાદ થઈ જશે. અમેરિકાએ દુનિયાના દશોને કરોડો ડોલરનું વળતર ચૂકવવું પડશે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સોમવારે એક પોસ્ટમાં લખ્યું કે, સુપ્રીમ કોર્ટ  એવો ચૂકાદો સંભળાવશે કે અમેરિકન પ્રમુખને આટલો જંગી ટેરિફ નાંખવાનો અધિકાર નથી તો તેની ગંભીર અસર અમેરિકાના અર્થતંત્ર પર પડી શકે છે અને લાંબા સમય સુધી તેની અસર રહી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના નિર્ણયને અમેરિકાના જ રાજ્યો અને કેટલીક વ્યાપારિક સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમે આ વિવાદમાં બે મહત્વના સવાલોનો જવાબ શોધવાનો છે. શું અમેરિકન પ્રમુખને ઈન્ટરનેશનલ ઈમર્જન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ હેઠળના અધિકારોનો ઉપયોગ કરી લગાવાયેલા ટેરિફને ન્યાયિક ઠરેવી શકાય? અને જો આ પગલું ખોટું હોય તો આયાતકારોને રિફંડનો અધિકાર મળશે?

પ્રમુખ ટ્રમ્પે ચેતવણી આપી કે સુપ્રીમ કોર્ટ તેમની સરકારની વ્યાપક ટેરિફ નીતિને ગેરકાયદે ઠેરવશે તો અમેરિકાને લાખો કરોડો ડોલરનું નુકસાન સહન કરવું પડશે. આવો ચૂકાદો અમેરિકાને અત્યંત મુશ્કેલ સ્થિતિમાં મૂકી દેશે. ટ્રમ્પની ટેરિફ નીતિને કોર્ટમાં પડકારવામાં આવી છે, કારણ કે તેમણે માત્ર કાર્યકારી આદેશ હેઠળ આ નીતિ લાગુ કરી હતી.

ટ્રમ્પે તેમની પોસ્ટમાં લખ્યું કે, અમેરિકાએ અત્યાર સુધીમાં ટેરિફ તરીકે વસૂલેલા સેંકડો અબજ ડોલર પાછા આપવા પડી શકે છે. આ સિવાય ટેરિફથી બચવા માટે અમેરિકા અથવા અન્ય જગ્યાઓ પર ફેક્ટરીઓ, પ્લાન્ટ અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં જંગી રોકાણ કરનારી કંપનીઓ અથવા દેશ પણ વળતરની માગ કરી શકે છે. આ બધા જ રોકાણ અને સંભવિત દાવાઓને જોડવામાં આવે તો કુલ રકમ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.

ટ્રમ્પે આ બાબતને અરાજક સ્થિતિ ગણાવતા કહ્યું કે, આટલી જંગી રકમ પાછી આપવી અમેરિકા માટે અશક્ય છે. વધુમાં આટલું જંગી વળતર કેટલું હશે અને કોને, ક્યાં સુધીમાં કેટલું વળતર ચૂકવવું તે નિશ્ચિત કરવામાં જ અનેક વર્ષ લાગી શકે છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ આ પ્રકારની પોસ્ટ કરીને સતત સુપ્રીમ કોર્ટ પર પોતાની તરફેણમાં ચૂકાદો આપવા દબાણ કરી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button