ઇરાનમાં 2000 નાગરિકોના મોતથી ટ્રમ્પ વિફર્યા, હુમલાની તૈયારી | Trump upset over deaths of 2000 civilians in Iran preparing for attack

![]()
– ઇરાન પર હુમલા માટે કતારમાં અમેરિકાનું સૈન્ય મથક સક્રિય
– આંદોલન અટકાવશો નહીં, સંસ્થાઓ પર કબજો કરો, ટૂંક સમયમાં મદદ પહોંચી રહી છે : ઇરાનના નાગરિકોને ટ્રમ્પનો સંદેશો
તેહરાન/વોશિંગ્ટન : ઇરાનમાં ઇસ્લામિક શાસક અયાતોલ્લાહ અલી ખામેનેઇએ વિરોધ કરનારા આંદોલનકારીઓને દેખો ત્યાં ઠાર મારોના આદેશ જાહેર કર્યા છે. જેને પગલે ઇરાનમાં ઇસ્લામિક શાસન, મોંઘવારી, બેરોજગારી, ગરીબીથી આઝાદી મેળવવા માટે આંદોલન ચલાવી રહેલા નાગરિકોનો મૃત્યુઆંક વધીને બે હજારને પાર જતો રહ્યો છે. આ નરસંહારને પગલે હવે અમેરિકા ગમે ત્યારે ઇરાન પર હુમલા કરી શકે છે. કતારમાં અમેરિકાનું સૈન્ય મથક આવેલુ છે જ્યાંથી ઇરાન પર હુમલાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાના અહેવાલો છે.
આંદોલન વચ્ચે ઇરાનના પ્રતિનિધિઓ સાથે અમેરિકા દ્વારા વાટાઘાટો ચાલી રહી હતી, જેને અમેરિકાના પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પે અચાનક જ રદ કરી દીધી છે. ઇરાનમાં એક સાથે અનેક નાગરિકોના હત્યાકાંડને પગલે ટ્રમ્પ રોષે ભરાયા હોવાના અહેવાલો છે. મંગળવારે ટ્રમ્પે ઇરાનના આંદોલનકારીઓને કહ્યું હતું કે બહુ જ ટૂંક સમયમાં તમારા સુધી મદદ પહોંચતી થઇ જશે. તમારા દેશની સંસ્થાઓ પર કબજો કરવાનું શરૂ કરી દો. ઇરાનમાં ખામેનેઇ પ્રશાસને સમગ્ર દેશમાં ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરી દીધી છે. જેને પગલે ઇરાન ઇન્ટરનેટ મામલે સમગ્ર વિશ્વથી એક રીતે વિખુટુ પડી ગયું છે. હાલમાં પ્રદર્શનકારીઓને વિખેરવા માટે હિંસક બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. હિંસા વિરોધી પોલીસ દળ જ હિંસા પર ઉતરી આવ્યું છે. હેલમેટ અને બોડી આર્મર પહેરીને હાથમાં બેટન લઇને નાગરિકો પર તુટી પડયા હતા. શોટગન્સ, ટીયર ગેસ લોન્ચર્સ સહિતના સાધનોનો ઉપયોગ આ આંદોલનને કચડવા માટે થઇ રહ્યો છે.
આંદોલનકારીઓ પર ઇરાન પ્રશાસનનું દમન ચરમસીમાએ પહોંચી ગયું છે, એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના નાગરિકો માટે એક સંદેશો જારી કર્યો હતો, ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું હતું કે ઇરાનના આંદોલનકારીઓ આ આંદોલનને શરૂ રાખજો, તમારી સંસ્થાઓ પર કબજો કરવા લાગો, હત્યારાઓ અને અત્યાચારીઓને યાદ રાખો, તેઓને આકરો પાઠ ભણાવવામાં આવશે. ઇરાનના અધિકારીઓની સાથેની તમામ બેઠકોને મે રદ કરી નાખી છે, જ્યાં સુધી નાગરિકો પરનો અત્યાચાર નહીં અટકે ત્યાં સુધી કોઇ જ બેઠક નહીં થાય, આંદોલનકારીઓ સુધી મદદ પહોંચી રહી છે.
12 હજાર લોકો માર્યા ગયા હોવાનો ઇરાની મીડિયાના રિપોર્ટમાં દાવો
ઇરાનના સત્તાવાર આંકડા મુજબ બે હજારથી વધુ આંદોલનકારી માર્યા ગયા છે, જ્યારે ઇરાન તેમજ અન્ય દેશોની કેટલીક વેબસાઇટોના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇરાનમાં બે સપ્તાહથી વધુ સમયથી ચાલી રહેલા આ આંદોલનમાં અત્યાર સુધીમાં ૧૨ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. હાલમાં સમગ્ર ઇરાનમાં ઇન્ટરનેટ સેવા અને એસએમએસ સેવા બંધ કરી દેવામાં આવી છે જેને પગલે ચોક્કસ આંકડો વિશ્વ સુધી નથી પહોચી રહ્યો, જોકે ઇરાનમાં સક્રિય માનવ અધિકારો માટે કામ કરતી સંસ્થાઓ, એક્ટિવિસ્ટ્ અને હોસ્પિટલ પાસેથી મૃતકોની માહિતી મેળવીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે.



