गुजरात

સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભીર ઈજા | patdi fulki road accident surendranagar stray rickshaw bike collision youth death



Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે પાટડી-ફૂલકી રોડ પર છકડો રિક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં બાઈક પર સવાર તેની પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

છકડાની અડફેટે પરિવારનો માળો વિખેરાયો

મળતી માહિતી મુજબ, માંડલ તાલુકાના રખિયાણા ગામના 22 વર્ષીય યુવક જતિન રસિકભાઈ ઠાકોરના લગ્ન આશરે એક વર્ષ પહેલા દસાડાના હરિપુરા ગામના કોમલબેન ઠાકોર (ઉંમર 19 વર્ષ) સાથે થયા હતા. યુવક પત્ની સાથે સાસરીમાં આવ્યો હતો અને ત્યાંથી બંને પતિ-પત્ની બાઈક પર સચાણા ખાતે પોતાના સાઢુભાઈના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન પાટડી-ફૂલકી રોડ પર ઘાસપુર પાસે બેફામ દોડતા છકડો રિક્ષાના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

યુવકનું ઘટના સ્થળે મોત, પત્નીની હાલત ગંભીર

આ અકસ્માતમાં જતિન ઠાકોરને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની કોમલબેનને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વિરમગામ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં પાટડી પોલીસ અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નવપરિણીત યુવકના અકાળે અવસાનથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઉત્તરાયણ પર્વ માતમમાં ફેરવાયો

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, છકડાના એન્જિન પર સેફ્ટી ગાર્ડ ન હોવાને કારણે ચાલકની ચાદર એન્જિનના ચક્રમાં ફસાઈ ગઈ હતી. આ કારણે છકડો એકાએક એક તરફ ખેંચાતા બાઈક સાથે અથડાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ચાલક રિક્ષા મુકીને નાસી છૂટ્યો હતો. દંપતીની પાછળ જ તેમના સંબંધીઓ પણ આવી રહ્યા હોવાથી તેમણે તત્કાળ મદદ પહોંચાડી હતી. ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા જઈ રહેલા આ પરિવાર પર કુદરતે કહેર વર્તાવ્યો છે.



Source link

Related Articles

Back to top button