અમદાવાદ એરપોર્ટ પર હાઈ વોલ્ટેજ ડ્રામા: અકાસા એરની ફ્લાઈટનું 2 વાર લેન્ડિંગ ફેલ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા | mumbai ahmedabad akasa air flight emergency landing jaipur

Akasa Air News: મુંબઈથી અમદાવાદ આવી રહેલી અકાસા એરની ફ્લાઈટમાં આજે મુસાફરોએ મોતનો સાક્ષાત્કાર કર્યો હોય તેવી દહેશતભરી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ રનવે પર બે વાર લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસ બાદ વિમાનને આખરે જયપુર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
મુંબઈ-અમદાવાદ ફ્લાઈટમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા ભયનો માહોલ
આજે 13 જાન્યુઆરી, 2026ના રોજ મુંબઈથી અમદાવાદની સફરે નીકળેલા મુસાફરો માટે આ પ્રવાસનો અનુભવ ભયાનક રહ્યો હતો. અકાસા એરની ફ્લાઈટ નંબર QP 1781(Boeing 737 Max 8), જે સવારે 8:40 વાગ્યે મુંબઈથી રવાના થઈ હતી, તેમાં અધવચ્ચે જ એક ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા વિમાનમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. નિર્ધારિત સમય મુજબ સવારે 10:00 વાગ્યે અમદાવાદ ખાતે લેન્ડિંગ કરવાનું હતું, પરંતુ ટેકનિકલ ખામીના કારણે મોટી દુર્ઘટનાની દહેશત ઊભી થઈ હતી.
લેન્ડિંગ સમયે ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે સર્જાયેલી આ કટોકટીએ મુસાફરોના જીવ અધ્ધર કરી દીધા હતા. જ્યારે ફ્લાઈટ નિર્ધારિત સમયે લેન્ડિંગની તૈયારીમાં હતી, ત્યારે અચાનક સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામી અથવા પ્રતિકૂળ સંજોગોને કારણે પાયલોટ વિમાનને રનવે પર સ્થિર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પ્રથમ પ્રયાસ દરમિયાન વિમાન રનવેની અત્યંત નજીક પહોંચી ગયું હતું, પરંતુ ટચ-ડાઉન થાય તે પહેલા જ જોખમ પારખી ગયેલા પાયલોટે તેને ફરી હવામાં ખેંચી લેવું પડ્યું હતું.
જ્યારે પાયલોટે લેન્ડિંગ માટે બીજો પ્રયાસ કર્યો, ત્યારે ફરી એ જ ગંભીર સ્થિતિનું પુનરાવર્તન થયું હતું. સતત બે વાર રનવેની સાવ નજીક જઈને ફરી એ જ સ્થિતિ સર્જાતા ફ્લાઈટની અંદર ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ભયાનક અનુભવ વિશે જણાવતા એક મુસાફરે ધ્રૂજતા અવાજે કહ્યું હતું કે, ‘તે ક્ષણે અમને લાગ્યું કે વિમાન ગમે ત્યારે પછડાશે અને અમારો બચવાનો કોઈ રસ્તો નથી. બે વાર એરપોર્ટની નજીક જઈને વિમાન પાછું હવામાં જતું રહેતા દરેકના શ્વાસ થંભી ગયા હતા.’ આ ઘટનાના કારણે એરપોર્ટ ઓથોરિટી પણ હરકતમાં આવી ગઈ હતી.
આ પણ વાંચો: અમરેલીમાં બે વર્ષના માસૂમ પર દીપડાનો હુમલો, પરિવારે આ રીતે માંડ માંડ બચાવ્યો જીવ!
સુરક્ષાને ધ્યાને રાખી જયપુર ડાયવર્ઝન
અમદાવાદમાં સતત બે નિષ્ફળ લેન્ડિંગ બાદ એર ટ્રાફિક કંટ્રોલ(ATC) અને પાયલોટે જોખમ ન લેવાનું નક્કી કર્યું હતું. સુરક્ષાના કારણોસર ફ્લાઈટને તાત્કાલિક જયપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. જયપુરમાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હાલમાં આ ટેકનિકલ ખામી પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે એરલાઈન્સ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું મનાય છે.



