જામનગરમાં પેરાશૂટ લઈને ઊડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો! 100 ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો | Jamnagar Youth Flying with Parachute Falls from 100 Feet Survives

![]()
Jamnagar News: જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક અજાણ્યો યુવક પેરાશૂટ સાથે આકાશમાંથી સીધો વીજ વાયર પર ખાબક્યો હતો. અંદાજે 100 ફૂટની ઊંચાઈએથી પટકાયા બાદ પણ યુવક હેમખેમ બચી ગયો હતો અને ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો, જેને પગલે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
શું બની સમગ્ર ઘટના?
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાલાવડની મછલીવડ ચોકડી પાસે આવેલી હેલીપેડ સોસાયટીમાં એક યુવક પેરાશૂટની મદદથી નીચે ઉતરી રહ્યો હતો. અંદાજે 100 ફૂટની ઊંચાઈએ પહોંચતા જ પેરાશૂટ પરનું નિયંત્રણ ગુમાવ્યું અને તે વીજ કંપનીના વાયરોમાં ફસાઈ ગયો હતો. વીજ વાયર સાથે અથડાયા બાદ યુવક નીચે પટકાયો હતો, સદનસીબે તે સમયે વીજ પ્રવાહમાં કોઈ શોર્ટ સર્કિટ ન થતાં મોટી હોનારત ટળી હતી.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, આટલી ઊંચાઈએથી પડવા છતાં યુવકને ખાસ ઈજા થઈ ન હતી અને તે લોકો કઈ સમજે તે પહેલાં જ ત્યાંથી નાસી છૂટ્યો હતો. રસ્તા પર પસાર થતા લોકો આ દ્રશ્ય જોઈને અવાક રહી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ કાલાવડ પોલીસ એક્શનમાં આવી છે. આ યુવકે કઈ જગ્યાએથી ઉડાન ભરી હતી અને તેનું ગંતવ્ય સ્થાન ક્યાં હતું અંગે તપાસ હાથ ધરી છે.



