ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા | no trade talks scheduled india us this week says report after sergio gor statement

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ફરી એકવાર અનિશ્ચિતતા જોવા મળી રહી છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે મંગળવાર, 13 જાન્યુઆરી, 2026થી ટ્રેડ ડીલ પર ફરીથી વાટાઘાટો શરૂ થવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ ભારત અને અમેરિકા વચ્ચે આ અઠવાડિયે આવી કોઈ વાતચીત નિર્ધારિત નથી. વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમને વોશિંગ્ટન તરફથી આ અંગે કોઈ સત્તાવાર સૂચના મળી નથી, જેના કારણે ટ્રેડ ડીલ પરની ચર્ચા ફરી પાછળ ઠેલાઈ ગઈ છે.
ભારતીય નિકાસ પર 50% ટેરિફ
આ સ્થિતિ ત્યારે સર્જાઈ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% વધારાનો ટેરિફ લગાવવાની ધમકી આપવામાં આવી છે. હાલમાં ભારતીય સામાન પર અમેરિકામાં 50% ટેરિફ લાગુ છે, જે લાંબા સમયથી બંને દેશો વચ્ચે વિવાદનો મુખ્ય વિષય રહ્યો છે.
આ પણ વાંચો: કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને મોટો આંચકો! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
ટ્રેડ ડીલ માટે ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાતચીત
આટલા ઊંચા ટેરિફ હોવા છતાં, એપ્રિલથી નવેમ્બર દરમિયાન અમેરિકામાં ભારતની નિકાસ 11.4% વધીને 59.04 અબજ ડોલર પર પહોંચી છે. જોકે, જો અમેરિકન કોંગ્રેસ દ્વારા રશિયા અને તેના ભાગીદારો વિરુદ્ધ નવું પ્રતિબંધ વિધેયક પસાર કરવામાં આવશે, તો ભારતીય નિકાસકારોની મુશ્કેલીઓ વધી શકે છે. હાલમાં બંને પક્ષો વચગાળાના કરાર સુધી પહોંચવા માટે મથામણ કરી રહ્યા છે, પરંતુ તેની કોઈ નિશ્ચિત સમયરેખા હજુ નક્કી થઈ શકી નથી.




