1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાનમાં આપનારા મહારાણીની વસમી વિદાય, સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ હતું યોગદાન | maharani kamsundari devi of the darbhanga royal family has passed away

| (IMAGE – instagram /salhesh_usa) |
Darbhanga Maharani Kamsundari Devi passed away: બિહારના દરભંગા રાજપરિવારના છેલ્લા મહારાણી કામસુંદરી દેવીનું 94 વર્ષની વયે નિધન થયું છે, જેના કારણે મિથિલાંચલ સહિત સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ દરભંગાના ઐતિહાસિક કલ્યાણી નિવાસમાં અંતિમ શ્વાસ લીધા હતા. મહારાણી કામસુંદરી દેવી માત્ર એક રાજવી પરિવારના સભ્ય નહોતા, પરંતુ તેઓ ભારતની તે ગૌરવશાળી પરંપરાના પ્રતીક હતા જેણે દેશના સંકટ સમયે પોતાની તમામ સંપત્તિ ન્યોછાવર કરી દીધી હતી. તેમના નિધન સાથે દરભંગા રાજનો એક સુવર્ણ અને સેવાભાવી અધ્યાય સમાપ્ત થયો છે.
ભારત-ચીન યુદ્ધ સમયે રાષ્ટ્રરક્ષા માટે 600 કિલો સોનાનું દાન
દરભંગા રાજપરિવારનું નામ ભારતીય ઈતિહાસમાં 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન આપેલા અભૂતપૂર્વ દાન માટે સુવર્ણ અક્ષરે લખાયેલું છે. જ્યારે દેશે સંસાધનોની અછત અનુભવી ત્યારે દરભંગા રાજે આશરે 600 કિલો સોનું રાષ્ટ્રરક્ષા માટે દાન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે પોતાના ત્રણ ખાનગી વિમાન અને 90 એકરનું ખાનગી એરપોર્ટ પણ સરકારને સોંપી દીધું હતું, જ્યાં આજે આધુનિક દરભંગા એરપોર્ટ કાર્યરત છે. માત્ર યુદ્ધ જ નહીં, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રારંભિક દિવસો અને મહાત્મા ગાંધીના આંદોલનોને આર્થિક ટેકો આપવામાં પણ આ પરિવારની ભૂમિકા નિર્ણાયક રહી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
મધેશ્વરનાથ પરિસરમાં અંતિમ વિદાય
મહારાણી કામસુંદરી દેવી દરભંગા રિયાસતના અંતિમ શાસક મહારાજા કામેશ્વર સિંહના ત્રીજા પત્ની હતા. મહારાજાના નિધન બાદ તેમણે આખા પરિવારની વિરાસત અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કર્યું હતું. તેમનો અંતિમ સંસ્કાર દરભંગા રાજ પરિસરમાં આવેલા ‘મધેશ્વરનાથ પરિસર’માં પરંપરાગત વિધિ-વિધાન સાથે કરવામાં આવ્યો હતો. આ એ જ પવિત્ર સ્થળ છે જ્યાં દરભંગા રાજના પૂર્વજોના અંતિમ સંસ્કાર બાદ મંદિરો બનાવવામાં આવ્યા છે. મહારાણીના નિધન પર શોક વ્યક્ત કરતા પરિવારે જણાવ્યું કે તેમનું જીવન હંમેશા વૈભવ કરતા દેશસેવાને પ્રાધાન્ય આપવાની શીખ આપતું રહેશે.




