હોલિવૂડનો સુપરસ્ટાર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા તલપાપડ! શાહરુખ ખાન પાસે કામ માંગ્યું | Will Smith confirmed talks about project with Salman Khan and asked Shah Rukh Khan to get him a film

![]()
Will Smith: વિલ સ્મિથ હોલિવૂડના સૌથી ચર્ચિત એક્ટરમાંથી એક છે. લાંબા સમયથી એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે તે બોલિવૂડમાં પણ કામ કરી શકે છે. તેણે ટાઈગર શ્રોફની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં એક ગીતમાં કેમિયો કર્યો હતો. પરંતુ અત્યાર સુધી તેના ખાતામાં કોઈ ફૂલ ફ્લેજેડ ભારતીય ફિલ્મ નથી આવી. હવે તાજેતરમાં જ તેણે ખુલાસો કર્યો છે કે, તે સલમાન ખાન અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મમાં કામ કરવાનો હતો. પરંતુ વાત ન બની શકી. આટલું જ નહીં વિલ સ્મિથે શાહરુખ ખાન પાસે પણ કામ માંગ્યું હતું. તેણે કિંગ ખાનને તેને કોઈ ફિલ્મમાં કાસ્ટ કરવા માટે અપીલ કરી હતી.
હોલિવૂડનો સુપરસ્ટાર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા તલપાપડ
વિલ સ્મિથ તાજેતરમાં પોતાના નેશનલ જિયોગ્રાફિક પ્રોજેક્ટ ‘પોલ ટુ પોલ વિથ વિલ સ્મિથ’ માટે દુબઈ ગયો હતો. આ દરમિયાન મીડિયાએ તેને બોલિવૂડમાં કામ કરવાના તેના ઇરાદા વિશે સવાલ કર્યો હતો. સ્મિથે જવાબ આપ્યો કે, ‘હું સલમાન સાથે વાત કરી રહ્યો હતો. અમે એક પ્રોજેક્ટ પર વાત કરી રહ્યા હતા. આટલું જ નહીં, હું બિગ બી (અમિતાભ બચ્ચન) સાથે પણ કંઈક પ્લાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમણે મને કહ્યું કે, હું બીગ W બની શકું છું. આ ઉપરાંત છેલ્લા ઘણા વર્ષોથી બીજા ઘણા પ્રોજેક્ટ પર વાત થઈ પરંતુ વાત ન બની શકી.’
શાહરુખ ખાન પાસે કામ માંગ્યું
આ વાતચીત દરમિયાન વિલ સ્મિથે શાહરૂખ ખાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, ‘હું ઈચ્છું છું કે, શાહરુખ મને કોઈ પ્રોજેક્ટમાં સામેલ કરે. શું કહે છે શાહરુખ?’
સલમાન અને વિલ સ્મિથની વાત કરીએ તો એવા અહેવાલો હતા કે તેઓ એટલીની ફિલ્મમાં સાથે કામ કરવાના હતા. તેના માટે સલમાન ખુદ વિલ સ્મિથ સાથે વાત કરી રહ્યો હતો. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, એટલીની ફિલ્મમાં રજનીકાંત અને કમલ હાસનની સાથે સલમાનને પણ કાસ્ટ કરવાના હતા. જોકે, બંનેમાંથી કોઈ પણ તેના માટે તૈયાર ન થયા, કારણ કે આ રોલ થોડો જટિલ હતો. જેમાં ઉંમરનો મુદ્દો આડે આવી રહ્યો હતો. ત્યારબાદ સલમાને આ જ પ્રોજેક્ટ માટે વિલ સ્મિથ સાથે વાતચીત શરૂ કરી.
આ પણ વાંચો: કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને મોટો આંચકો! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
સલમાને પણ આ કારણોસર પ્રોજેક્ટ છોડ્યો
એટલીની ઈચ્છા એવી હતી કે, સલમાનની અપોઝિટ વિલ સ્મિથને કાસ્ટ કરવામાં આવે. સલમાને બંને વચ્ચે મીટિંગ પણ ગોઠવી હતી. પરંતુ ફિલ્મ આગળ વધે તે પહેલાં સન પિક્ચર્સે એક ડિમાન્ડ રાખી દીધી. તેમણે કહ્યું કે, ફિલ્મમાં સલમાનની સાથે સાઉથનો એક સુપરસ્ટાર હોવો જોઈએ. જેથી ફિલ્મ દેશભરના દર્શકોને આકર્ષિત કરી શકે. બાદમાં બજેટની મુશ્કેલીના કારણે સલમાને પણ પ્રોજેક્ટ છોડી દીધો. તેમણે પોતે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. હવે, વિલ સ્મિથે પણ પ્રોજેક્ટનું નામ લીધા વિના આ વાતની પુષ્ટિ કરી દીધી છે.



