ટેરિફ મુદ્દે દાદાગીરી કરતાં ટ્રમ્પને અચાનક કઈ વાતનો ડર? કહ્યું- જો આવું થયું તો બરબાદ થઈ જઈશું | trump screwed supreme court decisions tariffs imports trade

Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે એક મોટા કાનૂની અને આર્થિક ડરનો સામનો કરી રહ્યા છે. આ ડર છે અમેરિકન સુપ્રીમ કોર્ટમાં તેમની ટેરિફ નીતિ અંગે થનારી સુનાવણી. ટ્રમ્પને ચિંતા છે કે જો સુપ્રીમ કોર્ટ તેમની ટેરિફ નીતિ વિરુદ્ધ ચુકાદો આપશે, તો અમેરિકાને ટ્રિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે અને દેશ આર્થિક રીતે બરબાદ થઈ જશે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કોર્ટ આયાતકારોની તરફેણમાં નિર્ણય લેશે, તો સરકારે અત્યાર સુધી વસૂલેલા અબજો ડોલર પરત કરવા પડશે, જે દેશ માટે અશક્ય જેવું કામ હશે.
IEEPA એક્ટ અને સત્તાના દુરુપયોગનો વિવાદ
આ સમગ્ર વિવાદ ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર એક્ટ'(IEEPA) હેઠળ ટ્રમ્પને મળતી કટોકટીની સત્તાઓના દુરુપયોગ અંગેનો છે. કોર્ટમાં એ સવાલ પર સુનાવણી ચાલી રહી છે કે શું ટ્રમ્પ વહીવટીતંત્રે આ કાયદા હેઠળ વ્યાપક ટેરિફ લાદીને પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કર્યો છે? જો ટ્રમ્પ આ કેસ હારી જાય છે, તો સરકારે માત્ર વસૂલેલી ડ્યુટી જ પરત નહીં કરવી પડે, પરંતુ જે વિદેશી કંપનીઓએ ટેરિફથી બચવા માટે અમેરિકામાં પ્લાન્ટ કે ફેક્ટરીઓમાં રોકાણ કર્યું છે, તેઓ પણ વળતરની માંગ કરી શકે છે. ટ્રમ્પના મતે, આ રકમ એટલી મોટી હશે કે તેને કોને અને કેટલી પરત કરવી તે નક્કી કરવામાં જ વર્ષો વીતી જશે.
‘અમેરિકા ફર્સ્ટ’ એજન્ડા પર મોટું સંકટ
સુપ્રીમ કોર્ટ બુધવારે આ મામલે પોતાનો ચુકાદો આપી શકે છે. જો કોર્ટ ટ્રમ્પની વિરુદ્ધ નિર્ણય આપે છે, તો તે તેમની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ અને આર્થિક એજન્ડા માટે સૌથી મોટો ફટકો સાબિત થશે. આનાથી માત્ર અમેરિકાનું બજેટ ખોરવાઈ જશે એટલું જ નહીં, પણ ટ્રમ્પના ઇમરજન્સી પાવર પર પણ બંધારણીય મર્યાદાઓ આવી જશે. બીજી તરફ, જો ટ્રમ્પ આ કેસ જીતી જશે, તો દુનિયાના ઘણા દેશોએ અમેરિકાની કડક આર્થિક નીતિઓ અને ઊંચા ટેરિફનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. અત્યારે આખી દુનિયાની નજર અમેરિકન સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણય પર ટકેલી છે.




