પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી, ગુજરાતના નેતાને પણ મોકો | Priyanka Gandhi Vadra has been appointed as Chairperson of Screening Committee

Priyanka Gandhi News: કોંગ્રેસે પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનીંગ કમિટીની રચના કરી છે. જેમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને આસામ સ્ક્રીનીંગ કમિટીના વડા તરીકે નિયુક્ત કરાયા છે. આ કોંગ્રેસ સંગઠનમાં પ્રિયંકા ગાંધીની પહેલી મોટી જવાબદારી છે. આ પહેલીવાર પ્રિયંકા ગાંધીને રાજ્ય સ્ક્રીનીંગ કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે.
કયા નેતાને કયા રાજ્યમાં જવાબદારી?
સ્ક્રીનીંગ કમિટી ઉમેદવારોની યાદી તૈયાર કરે છે, જેને પછી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. પ્રિયંકા ગાંધી ઉપરાંત, મધુસુદન મિસ્ત્રીને કેરળ સ્ક્રીનીંગ કમિટીના વડા બનાવાયા છે. આ સિવાય ટીએસ સિંહ દેવને તમિલનાડુ અને પુડુચેરી માટે સ્ક્રીનીંગ કમિટીના વડા તરીકે જવાબદારી સોંપાઈ છે.
કોણ છે મધુસૂદન મિસ્ત્રી?
કોંગ્રેસના 80 વર્ષના સિનિયર નેતા અને ગાંધી ફેમિલીના વિશ્વાસુ મધુસૂદન મિસ્ત્રીનો જન્મ 1945માં અમદાવાદના અસરાવામાં થયો હતો. 1999માં તે કોંગ્રેસમાં જોડાયા હતા, બે વખત લોકસભા અને એક વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. કેરળ, કર્ણાટક, અને UPમાં કોંગ્રેસ પાર્ટીનો હવાલો સંભાળી ચૂક્યા છે. ત્યારે હવે મધુસુદન મિસ્ત્રીને કેરળ સ્ક્રીનીંગ કમિટીમાં પ્રમુખનું સ્થાન મળ્યું છે.
પાંચ રાજ્યોમાં ચૂંટણીને જોતાં કોંગ્રેસ એલર્ટ
મહત્વનું છે કે પ્રિયંકા ગાંધીને સંગઠનમાં મોટી જવાબદારી મળશે તેવી ચર્ચાઓ ઘણા સમયથી હતી. પ્રિયંકા કોઈ રાજ્યમાં જઈ સંગઠનના એક પદ પર કામ કરશે તેવી આ પહેલી તક છે. કોંગ્રેસ અત્યારથી જ પાંચ રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીને લઈને એલર્ટ મોડમાં છે. કોંગ્રેસે પશ્ચિમ બંગાળ બી.કે. હરિપ્રસાદને જવાબદારી સોંપી છે.




