राष्ट्रीय

ટ્રમ્પ અને મોદી સાચા મિત્રો : અમેરિકાને ભારતની જરૂર | Trump and Modi are true friends: America needs India



– નવા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે દિલ્હી આવી ‘કામકાજ’ શરૂ કર્યું

– 500 ટકા ટેરીફની ધમકી પછી ગાઢ મિત્રતાની અમેરિકાના રાજદૂતની અચંબાભરી વાત : પેક્સ સિલિકામાં જોડાવા ભારતને આમંત્રણ અપાશે 

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખપદે ટ્રમ્પના પુનરાગમન પછી ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો કભીખુશી કભી ગમ જેવા રહ્યા છે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પર ૫૦૦  ટકા ટેરિફ લાદવાની ધમકી ઉચ્ચારી છે તો બીજી બાજુ ભારત આવેલા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી સાચા મિત્રો છે. અમેરિકા માટે ભારત અનિવાર્ય હકીકત છે, તેને બીજા કોઈપણ દેશ કરતાં વધુ જરૂર ભારતની છે. તેની સાથે તેમણે ૧૩ જાન્યુઆરીથી ટ્રેડ ડીલની મંત્રણા શરૂ થશે તેમ જણાવ્યું હતું.  

સર્જિયો ગોરે આગમનની સાથે જણાવ્યું હતું કે નવી દિલ્હીનો અમેરિકાની આગેવાની હેઠળના વ્યૂહાત્મક જોડાણ પેક્સ સિલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જોડાણ દુર્લભ ખનીજો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને છે. ટ્રમ્પ તંત્ર આગામી મહિને તેના માટે ભારતને સત્તાવાર આમંત્રણ પણ મોકલવાનું છે. તેના સભ્યોમાં જાપાન, દક્ષિણ કોરીયા, બ્રિટન, હોલેન્ડ, ઇઝરાયેલ, સંયુક્ત આરબ અમીરાત, ઓસ્ટ્રેલિા અને સિંગાપોરનો સમાવેશ થાય છે. તેને ૨૦૨૫ના અંતમાં અને ૨૦૨૬ના પ્રારંભમાં બનાવવામાં આવ્યું છે. 

સર્જિયો ગોરે આટલેથી પણ ન અટકતા જણાવ્યું છે કે ટ્રમ્પ આગામી મહિને ભારત આવી શકે છે. તેમણે બંને દેશ વચ્ચેના વર્તમાન સંબંધો અંગે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચે અસંમતિ હોઈ શકે છે, પરંતુ તે આ પ્રકારના વિવાદોનો ઉકેલ લાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચેની ટ્રેડ ડીલ પરની વાતચીત મંગળવારથી શરૂ થશે. તેમણે પ્રમુખ ટ્રમ્પનો સંદેશો આપતા તેમને પીએમ મોદીના ખાસ મિત્ર ગણાવ્યા. 

અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ નાખતા બંને દેશ વચ્ચેના સંબંધ વણસ્યા હતા. આ ૫૦ ટકા ટેરિફમાં રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ૨૫ ટકા ટેરિફ નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રમ્પ વારંવાર ભારત-પાક. વચ્ચેનું યુદ્ધ મેં બંધ કરાવ્યુ હોવાનો સતત દાવો કરતા હોવાની વાતને લઈને પણ પણ બંને વચ્ચેના સંબંધમાં થોડી ખટાશ આવી ગઈ હતી. તેની સાથે વોશિંગ્ટનની નવી ઇમિગ્રેશન નીતિના કારણે પણ ભારત પર અસર થઈ હતી. સર્જિયો ગોરે બંને દેશ વચ્ચેના આ સંબંધોના સંદર્ભમાં જણાવ્યું હતું કે બે મિત્રો વચ્ચે અસંમિત હોઈ શકે છે, તેનો ઉકેલ વાતચીત અને મંત્રણાથી લાવી શકે છે. 

ટ્રમ્પના વલણથી એકદમ વિપરીત વાત કરતાં સર્જિયો ગોરે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા ફક્ત પારસ્પરિક હિતો જ ધરાવતા નથી, પણ બંને વચ્ચેના સંબંધો નવી ઊચાઈએ પહોંચ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે એકબાજુએ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક જણાવી રહ્યા છે કે વોશિંગ્ટન હાલમાં આ ડીલ કરવા તૈયાર નથી, બીજી બાજુએ સર્જિયો ગોર વાતચીત જારી રાખવાની વાત કરે છે. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકા ભારતની આગેવાની હેઠળના ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાંથી નીકળી ગયુ છે, પરંતુ તેની આગેવાની હેઠળના એલાયન્સમાં ભારતને સમાવવાની વાત કરે છે.



Source link

Related Articles

Back to top button