गुजरात

માતરનું 4.50 કરોડના ખર્ચે બનેલું નવીન આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન | Matar new health center built at a cost of 4 50 crores is like a gem of beauty



– દરવાજા બંધ કરી સ્ટાફ આરામ ફરમાવતો હોવાનો આક્ષેપ 

– તંત્રની બેદરકારી : ઉદ્ધાટન બાદ પણ અપૂરતા સ્ટાફ અને ડૉક્ટરોના અભાવે આધુનિક સુવિધાઓ ધૂળ ખાઈ રહી છે

નડિયાદ : ખેડા જિલ્લાના માતર મુકામે સરકાર દ્વારા મસમોટા ખર્ચે આરોગ્યની સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા સાવ વિપરીત જોવા મળી રહી છે. માતરમાં રૂપિયા ૪.૫૦ કરોડના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવેલું નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાલ માત્ર શો-પીસ બનીને રહી ગયું છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ અંદરથી દરવાજા બંધ રાખીને આરામ કરતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યાં છે. જેથી સારવાર માટે આવતા દર્દીઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

સરકારે લોકોની સુખાકારી માટે માતરમાં રૂપિયા ૪.૫૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કર્યું છે, પરંતુ આ સુવિધાનો મળવાને બદલે લોકોની મુશ્કેલીઓ વધી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, સ્થળ પરની પરિસ્થિતિ એવી છે કે, હોસ્પિટલના મુખ્ય દરવાજાઓ લાભાર્થીઓ માટે બંધ રાખવામાં આવે છે. હોસ્પિટલનો સ્ટાફ અંદરથી દરવાજા બંધ કરી દેતો હોવાની અને અંદર આરામ ફરમાવતો હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. આ હોસ્પિટલના લોકાર્પણમાં પણ અગાઉ ઘણો વિલંબ થયો હતો. હવે જ્યારે હોસ્પિટલ શરૂ થઈ છે ત્યારે પણ પરિસ્થિતિ સુધરી નથી. હોસ્પિટલની અંદર અધ્યતન મેડિકલ સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ તેનો ઉપયોગ કરનાર કોઈ નથી. પૂરતો મેડિકલ સ્ટાફ કે, કાયમી ડોક્ટરો હાજર રહેતા નથી. પરિણામે કરોડોના ખર્ચે વસાવેલી ટેકનોલોજી અને સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે. જવાબદાર સ્ટાફની પણ એટલી જ જરૂર હોવા છતા અભાવ વર્તાઈ રહ્યો છે.

દૂર-દૂરના ગામડાઓમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ અહીં મફત અને સારી સારવારની આશાએ આવે છે. પરંતુ સરકારી દવાખાનાના બંધ દરવાજા અને ડોક્ટરોની ગેરહાજરી જોઈને તેમણે નાછૂટકે ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે, જ્યાં તેમને મોટી રકમ ખર્ચવી પડે છે. આટલી ગંભીર બેદરકારી હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ મૌન સેવી રહ્યાં છે અને કોઈ પગલાં લેવામાં આવતા નથી. તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠવા પામી છે. 



Source link

Related Articles

Back to top button