ઉત્તરાયણ દરમિયાન પતંગ બજારો પાસે ટ્રાફિકની સમસ્યા,પોલીસનું બે દિવસ ફૂટ પેટ્રોલિંગઃડ્રાેનથી નજર | foot patrolling by police due to uttrayan

વડોદરાઃ ઉત્તરાયણના પર્વ દરમિયાન નજીવી બાબતોમાં અથડામણના બનાવો ટાળવા શહેર પોલીસ દ્વારા બે દિવસ દરમિયાન સંવેદનશિલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૃ કરવામાં આવ્યું છે.
ઉત્તરાયણ દરમિયાન મારામારી અને જૂથ અથડામણના બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા બે દિવસ બંદોબસ્ત જાળવવામાં આવનાર છે.પોલીસ કમિશનર દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ બાબતે સૂચના આપી પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર નજર રાખી તેમને રાઉન્ડઅપ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે.જ્યારે,પતંગપર્વ દરમિયાન દારૃના વેચાણ અને પીનારાઓ સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે.
ઉત્તરાયણ આડે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા આજે જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.આગામી બે દિવસ પણ ફૂટ પેટ્રોલિંગ ચાલુ રહેનાર છે.
પતંગ બજારોમાં ટ્રાફિકની સમસ્યા થતી હોવાથી ગેંડીગેટ,રેસકોર્સ સહિતના પતંગ બજારોની આસપાસ ટ્રાફિક મેનેજમેન્ટ જરૃરી બન્યું છે.જેથી આ માટે નો પાર્કિંગ અને નો એન્ટ્રી માટે જાહેરનામું બહાર પાડવાની તૈયારી કરવામાં આવી રહી છે.



