દહેગામના મોટી મોરાલી ગામમાં બંધ મકાનનું તાળું તોડી ૩.૨૧ લાખની ચોરી | 3 21 lakhs stolen after breaking the lock of a closed house in Moti Morali village of Dehgam

![]()
ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ યથાવત
પરિવાર ગામનું મકાન બંધ કરીને ખેતરમાં વસવાટ કરતો હતો તે સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ
વધી રહી છે ત્યારે દહેગામના મોટી મોરાલી ગામમાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો
તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૩.૨૧ લાખ રૃપિયાની મત્તા ચોરીને
ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભેે દહેગામ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
શિયાળાની ઠંડી દરમિયાન ગાંધીનગરમાં તસ્કરો ઉતરી આવતા હોય છે
અને બંધ મકાનોને નિશાન બનાવી ચોરીના ગુનાઓને અંજામ આપતા હોય છે ત્યારે આ વખતે ખાસ
કરીને ગ્રામ્ય વિસ્તારને દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યો છે. દહેગામ તાલુકાના
મોટી મોરાલી ગામમાં પણ બંધ મકાનમાં ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મોટી મોરાલી ગામમાં રહેતા જયદીપસિંહ મોબતસિંહ
જાદવે ફરિયાદ નોંધાવી હતી કે,
તેમનો પરિવાર છેલ્લા દસ દિવસથી ખેતરમાં ઘઉંના પાકની સાચવણી માટે ત્યાં કામચલાઉ
છાપરું બનાવીને રહેવા ગયો હતો. ગામમાં આવેલું મકાન બંધ હોવાથી જયદિપસિંહ દરરોજ
સવાર-સાંજ ત્યાં દીવાબત્તી કરવા જતા હતા. શનિવાર સાંજે સાત વાગ્યે તેઓ ઘરે
દીવાબત્તી કરી, મકાનને
તાળું મારી ખેતર પર સૂવા ગયા હતા. બીજા દિવસે સવારે આઠ વાગ્યે જ્યારે તેઓ પરત
આવ્યા ત્યારે ઘરની લોખંડની જાળીનો દરવાજો ખુલ્લો હતો અને મુખ્ય દરવાજાનો નકચો
તૂટેલી હાલતમાં જમીન પર પડયો હતો. તસ્કરોએ ઘરના બે રૃમમાં રહેલી તિજોરીઓના ખાના
તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૩.૨૧ લાખ રૃપિયાની મત્તા ચોરી લીધી
હતી. જેથી આ ઘટના સંદર્ભે દહેગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી
હતી અને અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે દોડધામ શરૃ
કરી હતી.


