એફેડ્રીન ડ્રગ્સ કેસમાં ફાર્મા કંપનીના એમ ડી સહિત ત્રણને સાત વર્ષની સજા | Savarkaundal court declared punishment in Pipavav Drugs case

અમદાવાદ,સોમવાર
અમદાવાદ ઝોનના નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોએ ત્રણ વર્ષ પહેલા પીપાવાવ પોર્ટ પરથી એફેડ્રીન અને પ્સ્યુડોએફેડ્રિન નામના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જે અંગે સોનીપત સ્થિત એક ફાર્મા કંપનીના એમ ડી સહિત ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. અમરેલી સાવરકુંડલા કોર્ટ આ કેસમાં ચુકાદો આપીને ત્રણેય આરોપીઓને સાત વર્ષની સજા અને દોઢ લાખનો દંડ કર્યો છે.
અમદાવાદ ઝોનના નાર્કોટીક્સ કંટ્રોલ રૂમ બ્યુરોએ માર્ચ ૨૦૨૩માં બાતમીના આધારે પિપાવાવ પોર્ટ પર દરોડો પાડીને એક કન્ટેનરમાંથી એફેડ્રીન અને પ્સ્યુડોએફેડ્રીન નામના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં આશરે ૬૦ લાખ કેપ્સ્યુલ્સ હતી.તપાસ દરમિયાન ખુલ્યુ હતુ કે હરિયાણાના સોનીપતમાં આવેલી આસ્પ્સ લાઇફ સાયન્સ નામની ફાર્મા કંપનીએ આફ્રિકા મોકલવાનો હતો.
આ અંગે ફાર્મા કંપનીની મેનેજિંગ ડિરેક્ટર સુમિત કુમાર, સ્ટોર ઇન્ચાર્જ સુમિત અને ચીફ કેમીસ્ટ-કમ-પ્રોડક્શન મેનેજર ધનેશ ચામોલી વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. જે કેસમાં સાવરકુંડલાની કોર્ટમાં ચાલતા કોર્ટે તમામ પુરાવા અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્રણેય આરોપીઓને સાત વર્ષની સજા અને દોઢ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. આ ઉપરાંત, કંપનીને પણ દોષી ગણાવીને વધુ દોઢ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. કોર્ટે ટ્રાયલ દરમિયાન આરોપીઓના જામીન પણ મંજૂર કર્યા નહોતા.


