‘હું મુંબઈ આવું છું, હિંમત હોય તો…’, રાજ ઠાકરેની ધમકી બાદ અન્નામલાઈની MNSને ચેલેન્જ | annamalai dares raj thackeray over threats try cutting my legs coming mumbai

K Annamalai Reply Raj Thackeray: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે ‘રસમલાઈ’ અને ‘પગ કાપી નાખવા’ જેવી ટિપ્પણીઓએ ભારે ખળભળાટ મચાવ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) પ્રમુખ રાજ ઠાકરે અને ભાજપના નેતા કે. અન્નામલાઈ વચ્ચે ચાલી રહેલા આ શાબ્દિક યુદ્ધે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
‘હિંમત હોય તો મારા પગ કાપી બતાવો’: અન્નામલાઈનો ખુલ્લો પડકાર
ચેન્નાઈમાં મીડિયા સાથે વાત કરતા કે. અન્નામલાઈએ રાજ ઠાકરે અને તેમના સમર્થકોને સીધી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘હું મુંબઈ જરૂર આવીશ. જો તમારામાં હિંમત હોય તો મારા પગ કાપીને બતાવો. હું ગર્વથી કહું છું કે હું એક ખેડૂતનો દીકરો છું અને આવી પોકળ ધમકીઓથી હું જરાય ડરતો નથી. મને ધમકાવનારા આદિત્ય ઠાકરે કે રાજ ઠાકરે આખરે છે કોણ?’
વિવાદનું મૂળ: ‘રસમલાઈ’ ટિપ્પણી અને પગ કાપવાની ધમકી
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાજ ઠાકરેએ અન્નામલાઈ માટે ‘રસમલાઈ’ શબ્દનો ઉપયોગ કરીને કટાક્ષ કર્યો હતો. તેમજ મનસે કાર્યકર્તાઓ એટલા રોષે ભરાયા હતા કે તેમણે અન્નામલાઈ મુંબઈ આવશે તો તેમના પગ કાપી નાખવાની ધમકી આપી હતી. અન્નામલાઈએ આ અંગે વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘મનસે માત્ર મને ગાળો આપવા માટે સભાઓ ભરી રહ્યું છે, જે સાબિત કરે છે કે મારું રાજકીય મહત્ત્વ વધી રહ્યું છે.’
તેમજ અન્નામલાઈએ કહ્યું કે, ‘જો હું ડરતો હોત તો પોતાના ગામમાં જ હોત. મુંબઈ એક ગ્લોબલ સિટી છે અને મારા નિવેદનોનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.’
મરાઠી અસ્મિતા અને મુંબઈનું વૈશ્વિક સ્તર
કે. અન્નામલાઈએ રાજ ઠાકરે અને તેમના સમર્થકોની વાતોને સાવ અજ્ઞાનતાથી ભરેલી ગણાવી છે. તેમણે તર્ક આપ્યો કે, ‘જો હું કામરાજને ભારતના મહાન નેતા કહું, તેમની તમિલ ઓળખ ભૂંસાઈ જતી નથી, તેવી જ રીતે મુંબઈના વખાણ કરવા એ કોઈ સંસ્કૃતિની વિરુદ્ધ નથી. એવામાં હવે આગામી BMC(મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણીઓને જોતા આ વિવાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક લાવી શકે છે.




