બેબી અરિહા કોણ છે? જેના માટે PM મોદીને જર્મનીના ચાન્સલર સાથે કરવી પડી વાત, જાણો સમગ્ર મામલો | Ariha Shah Case 2026 PM Narendra Modi Raises Issue with German Chancellor

![]()
Ariha Shah Case 2026: જર્મન સરકારની કસ્ટડીમાં રહેલી ગુજરાત મૂળની અરિહા શાહનો કેસ એટલો સંવેદનશીલ બની ગયો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ જર્મનીના ચાન્સલર ફેડિરક મર્જ સાથે વાત કરવી પડી છે. સમગ્ર મામલે વિદેશ મંત્રાલય પણ પૂરી કોશિશ કરી રહ્યું છે, પરંતુ જર્મનીના કાનૂન અને ચાઈલ્ડ પ્રોટેક્શન સિસ્ટમ બાળકીને ભારત પરત મોકલવામાં બાધારૂપ બની રહી છે. તેવામાં કોણ છે બેબી અરિહા અને શું છે સમગ્ર મામલો, ચાલો જાણીએ.
કોણ છે બેબી અરિહા?
બેબી અરિહા શાહના માતા-પિતા ભારતીય છે. તેમનું નામ ધરા શાહ અને ભાવેશ શાહ છે. ભાવેશ શાહ સોફ્ટવેર એન્જિનિયર છે. વર્ષ 2018માં જર્મનીમાં સારી નોકરી મળતાં ભાવેશ તેની પત્ની ધરા સાથે બર્લિન ગયા હતા. બધુ સામાન્ય ચાલી રહ્યું હતું. આ પછી વર્ષ 2021માં તેમના ઘરે એક બાળકીનો જન્મ થયો, જેનું નામ અરિહા રાખવામાં આવ્યું. અરિહાના જન્મ બાદ પરિવાર પર ખુશીઓ છવાઈ હતી, પરંતુ એ વધુ દિવસ ટકી નહીં.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2021માં અરિહા સાત મહિનાની હતી. એક દિવસ અરિહાની દાદી તેને રમાડી રહી હતી, ત્યારે ભૂલથી બાળકીને થોડી ઈજા થઈ હતી. ત્યારબાદ અરિહાની માતા ધરા બાળકીનું ડાયપર બદલી રહી હતી, ત્યારે લોહી જોવા મળ્યું હતું. આ પછી તરજ ધરા અરિહાને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં બાળકીની ઈજા જોઈને ડૉક્ટરોએ આરોપ લગાવ્યો હતો કે, બાળકીનું યૌન શોષણ થયું હતું અને ત્યારબાદ જર્મન સત્તાવાળાઓએ યુવતીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી હતી. ત્યારથી અરિહા જર્મન સરકારની કસ્ટડીમાં છે અને તેના માતા-પિતા તેની કસ્ટડી પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયે આજે(12 જાન્યુઆરી, 2026) જણાવ્યું હતું કે, અરિહા છેલ્લા 40 મહિનાથી એક જર્મન પાલક પરિવાર સાથે છે અને ભારત સરકાર જર્મની સાથે સતત સંપર્કમાં છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર સાથે આ મુદ્દા પર ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, જ્યારે તે પહેલાં કાનૂની મુદ્દો હતો ત્યારે હવે માનવતાવાદી ધોરણે તેના પર વિચાર કરવો જોઈએ. ભારત જર્મન સરકાર, અધિકારીઓ, દૂતાવાસ અને તમામ એજન્સીઓ સાથે સંપર્કમાં છે. પરિવારના દુ:ખને સમજીને અરિહા ભારતીય સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછરે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.



