ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના 4 ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા | 4 players from Vadodara won gold medals in All India Karate Championship

![]()
(ડાબેથી પાર્થરાજસિંહ જાડેજા, કાર્તિક થયાલે, અદ્વિકા ચંદ્રા, યસ્વી પટેલ)
All India Karate Championship : દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે તા. 1 અને 2 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી ચોથી ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ કરાટે ચેમ્પિયનશિપ–2025માં વડોદરા સહિત ગુજરાતના યુવા કરાટે ફાઈટર્સે શાનદાર પ્રદર્શન કરીને રાજ્યનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે.
આ રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપનું આયોજન કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન (KIO) દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારતના નૉર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને નૉર્થ–ઇસ્ટ ઝોનમાંથી ઝોનલ સ્તરે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતેલા શ્રેષ્ઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દેશભરના ટોચના ફાઈટર્સ વચ્ચે થયેલી આ ચેમ્પિયનશિપ ખૂબ જ કઠિન અને રોમાંચક બની રહી હતી.
વેસ્ટ ઝોનના સાત રાજ્યોમાંથી ક્વોલિફાય થયેલા ગોલ્ડ અને સિલ્વર મેડલિસ્ટ ખેલાડીઓ સાથે કરાટે ડુ ફેડરેશન ઓફ ગુજરાત (KDF) તરફથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં વડોદરાના ચાર ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીતીને વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી.
જેમાં 10 વર્ષીય પાર્થરાજસિંહ જાડેજાએ 40 કિલો કેટેગરીમાં, 13 વર્ષીય અદ્વિકા ચંદ્રાએ 45 કિલો કેટેગરીમાં અને 13 વર્ષીય યસ્વી પટેલે 60 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઉપરાંત સિનિયર કેટેગરીમાં કાર્તિક થયાલે પણ ગોલ્ડ મેડલ મેળવી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું.
આ ચારેય વિજેતા ખેલાડીઓને કરાટે જગત તેમજ શહેર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે આવનારા સમયમાં આ ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્ય અને દેશનું નામ વિશ્વ મંચ પર ગૌરવપૂર્વક ઉજાગર કરશે.



