ભારતના પડોશી દેશમાં ફરી રાજાશાહીની માંગ, ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા લોકો | nepal protest monarchy supporters hold rally demanding reinstatement of king

Nepal Monarchy Protest: નેપાળમાં આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ થયો છે. રવિવારે રાજધાની કાઠમંડુમાં સેંકડો રાજાશાહી સમર્થકોએ રસ્તા પર ઉતરીને દેશમાં ફરીથી રાજાશાહી સ્થાપિત કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજી હતી.
રાજાશાહીની માંગ અને નવી ચર્ચા
18મી સદીમાં શાહ વંશનો પાયો નાખનાર પૃથ્વી નારાયણ શાહની જન્મજયંતિના અવસરે આયોજિત આ રેલીમાં પ્રદર્શનકારીઓએ ‘અમે અમારા રાજાને પ્રેમ કરીએ છીએ’ અને ‘રાજાને પાછા લાવો’ જેવા નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે ‘જેન-ઝી’ આંદોલન અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં થયેલી હિંસા પછી રચાયેલી વચગાળાની સરકારના શાસનકાળમાં મોટી સંખ્યામાં રાજશાહી સમર્થકોની રસ્તા પર ઉતર્યા હતા.
રાજાશાહી સમર્થકો કરી રહ્યા છે આ દલીલો
રાજાશાહી સમર્થકોની દલીલ છે કે વર્ષ 2008માં રાજા જ્ઞાનેન્દ્ર વિક્રમ શાહને ગાદી પરથી હટાવ્યા બાદ અમલી બનેલી ગણતંત્ર વ્યવસ્થા દેશને સ્થિરતા આપવામાં નિષ્ફળ રહી છે. તેમજ પ્રદર્શનકારીઓના મતે વર્તમાન રાજકીય અસ્થિરતા અને અવ્યવસ્થાનો એકમાત્ર ઉકેલ રાજાની વાપસી છે, જે દેશમાં ફરીથી એકતા સ્થાપિત કરી શકે છે.
ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો
માર્ચમાં યોજાનારી સંસદીય ચૂંટણીઓ પૂર્વે આ આંદોલને નેપાળમાં નવી રાજકીય ચર્ચા જગાવી છે. જોકે, ભૂતકાળમાં આવી રેલીઓ દરમિયાન હિંસા જોવા મળી હતી, પરંતુ આ વખતનું પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું હતું. તેમ છતાં, વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રાખ્યો હતો. નિષ્ણાતો માને છે કે ચૂંટણી નજીક આવતા જ રાજાશાહીનો આ મુદ્દો મોટું રાજકીય હથિયાર બની શકે છે.



