યશ રાજ ફિલ્મ્સે ‘મર્દાની-3’નું ટ્રેલર લોન્ચ કર્યું, રાની મુખર્જીના બોલિવૂડમાં 30 વર્ષ પૂરાં | mardaani 3 official trailer rani mukerji 30 years in films

Mardaani 3 Trailer Release : ભારતીય સિનેમાની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક એવી રાની મુખર્જીએ બોલિવૂડમાં 30 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ અવસરને યાદગાર બનાવતા યશ રાજ ફિલ્મ્સ દ્વારા તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મર્દાની 3’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ત્રણ દાયકાની આ સફર બાદ રાની ફરી એકવાર નિડર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયના પાવરફુલ અવતારમાં પડદા પર જોવા મળશે.
શિવાની શિવાજી રોયની નવી લડાઈ: આ વખતે વિલન પણ એક મહિલા!
આ ફિલ્મમાં રાની મુખર્જી એટલે કે શિવાની શિવાજી રોય ગુમ થયેલી યુવતીઓને શોધવા માટે જાનની બાજી લગાવી દેશે. ટ્રેલર જોઈને જ ખબર પડે છે કે આ વખતે લડાઈ પહેલા કરતા પણ વધુ જોરદાર અને હિંસક રહેવાની છે. આ ભાગની સૌથી ખાસ વાત એ છે કે, શિવાનીનો સામનો કોઈ પુરુષ વિલન સાથે નહીં, પણ એક અત્યંત ચાલાક અને શક્તિશાળી મહિલા વિલન સાથે થશે. આ ખતરનાક વિલનનો રોલ જાણીતી એક્ટ્રેસ મલ્લિકા પ્રસાદ ભજવી રહી છે. તેમજ ગુજરાતી ફિલ્મ ‘વશ’ અને હિન્દી ફિલ્મ ‘શૈતાન’થી જાણીતી થયેલી અભિનેત્રી જાનકી બોડીવાલા પણ આ વખતે મર્દાનીની ટીમમાં એક મહત્ત્વના રોલમાં જોવા મળશે.
ફિલ્મની ટીમ અને નિર્દેશન
આ ફિલ્મનું લેખન આયુષ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ અગાઉ ‘ધ રેલવે મેન’ જેવી વૈશ્વિક સ્તરે વખણાયેલી હિટ સિરીઝ આપી ચૂક્યા છે. અભિરાજ મિનાવાલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપરા(યશ રાજ ફિલ્મ્સ) દ્વારા કરવામાં આવ્યું છે. ‘મર્દાની’ ફ્રેન્ચાઈઝી હંમેશા તેના મજબૂત સામાજિક સંદેશ માટે જાણીતી રહી છે. જેમ પહેલા ભાગમાં માનવ તસ્કરી અને બીજા ભાગમાં દુષ્કર્મ જેવી વિકૃત માનસિકતા સામે જંગ બતાવવામાં આવ્યો હતો, તેવી જ રીતે ‘મર્દાની 3’ પણ સમાજની એક અત્યંત ઘેરી અને ક્રૂર સત્યતાને પડદા પર લાવશે, જે જોયા પછી પ્રેક્ષકો પણ આ ગંભીર મુદ્દા પર વિચારતા થઈ જશે.
આ પણ વાંચો: 60 વર્ષમાં 8 નેશનલ એવોર્ડ, 10 ભાષામાં 50000 ગીત, કોઈ આ સિંગરનો રેકોર્ડ બ્રેક ન કરી શક્યો
રિલીઝ ડેટ
છેલ્લા એક દાયકાથી દર્શકોના દિલ જીતનારી આ ફ્રેન્ચાઈઝી હવે તેના કલ્ટ સ્ટેટસને આગળ વધારવા તૈયાર છે. ‘મર્દાની 3’ આગામી 30 જાન્યુઆરી, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.




