गुजरात

ઘેડનો વિકાસ કાગળ પર? 1800 કરોડની જાહેરાતના એક વર્ષ બાદ પણ કામગીરી ”શૂન્ય’, પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર | One Year No Work: Pal Ambaliya Questions Govt on Rs 1800 Cr Ghed Development



Ghed and Pal Ambaliya News : ગુજરાતના દરિયાકાંઠાના અને નીચાણવાળા ‘ઘેડ’ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી મોટી જાહેરાતો માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાના આક્ષેપ સાથે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સિંચાઈ મંત્રીને ધારદાર પત્ર લખ્યો છે. ફેબ્રુઆરી 2025ના બજેટમાં ફાળવવામાં આવેલા ₹1500 કરોડ અને વધારાના ₹300 કરોડની કામગીરી હજુ સુધી કેમ શરૂ થઈ નથી, તેવા સવાલો સાથે તેમણે સરકારની નીતિ અને દાનત પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

જાહેરાતોના અંબાર, પણ ધરાતલ પર શૂન્યતા

પાલ આંબલિયાએ પત્રમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરી 2025ના બજેટમાં ઘેડ વિસ્તાર માટે ₹1500 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના મંત્રીઓ દ્વારા અનેક પ્રેસ કોન્ફરન્સ કરીને વાહવાહી લૂંટવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે એક વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતાં આ પ્રોજેક્ટને માત્ર ‘સૈદ્ધાંતિક મંજૂરી’ જ મળી છે, ‘વહીવટી મંજૂરી’ માટે ફાઈલો હજુ પણ સરકારી કચેરીઓમાં ધૂળ ખાઈ રહી છે.

“શું વરસાદમાં કામો તણાઈ જાય તેવી સરકારની ગણતરી છે?”

પત્રમાં સરકારની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા આંબલિયાએ પૂછ્યું છે કે, “ઘેડમાં કામ કરવાનો ઉત્તમ સમય ડિસેમ્બરથી મે મહિનો છે. જો અત્યાર સુધી વહીવટી મંજૂરી ન મળી હોય, તો ટેન્ડર પ્રક્રિયા ક્યારે થશે? શું સરકાર મે મહિનામાં વર્ક ઓર્ડર આપીને જૂનમાં વરસાદમાં કામો ધોવાઈ જાય અને માત્ર બિલ બની જાય તેવો ભ્રષ્ટાચાર કરવા માંગે છે?”

ઘેડ વિસ્તારની મુખ્ય રજૂઆતો અને પ્રશ્નો:

વિસ્તરતું ઘેડ: છેલ્લા 25 વર્ષમાં સરકારની ઉપેક્ષાને કારણે ઘેડ વિસ્તાર 25 હજાર હેક્ટરથી વધીને 1.25 લાખ હેક્ટરમાં ફેલાયો છે.

મોડો જવાબ: કિસાન કોંગ્રેસ દ્વારા જુલાઈ 2024માં કરાયેલી રજૂઆતનો જવાબ દોઢ વર્ષ પછી ડિસેમ્બર 2025માં આપવામાં આવ્યો, જે સરકારની ગંભીરતા દર્શાવે છે.

ભ્રષ્ટાચારનો આક્ષેપ: દર વર્ષે નદીઓમાં જંગલ કટિંગ અને કાપ કાઢવાના નામે માત્ર રૂપિયા વેડફાય છે, પણ કાયમી ઉકેલ આવતો નથી.

સરકાર પાસે તાત્કાલિક સ્પષ્ટતાની માંગ

પાલ આંબલિયાએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારનો ઈરાદો સાફ હોય તો અત્યાર સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જવી જોઈતી હતી. તેમણે સિંચાઈ મંત્રીને વિનંતી કરી છે કે આગામી ચોમાસા પહેલા ઘેડની નદીઓને નવી દિશા આપવાનું અને ખેડૂતોના હિતનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવા માટે તાત્કાલિક વહીવટી મંજૂરી આપવામાં આવે.

હવે જોવાનું એ રહે છે કે ફેબ્રુઆરી 2026નું બજેટ સત્ર નજીક છે ત્યારે સરકાર જૂની જાહેરાતોનો હિસાબ આપે છે કે ફરી નવી જાહેરાતોનો પટારો ખોલે છે.



Source link

Related Articles

Back to top button