લગ્ન કરીને 10 જ દિવસમાં 3.75 લાખ રૂપિયા સાસરિયાવાળા પાસેથી પડાવી લેવાના ગુનામાં વધુ એકની ધરપકડ | person arrested for extorting 3 75 lakh from in laws within 10 days of marriage

![]()
Vadodara Crime : લગ્ન કરીને સાસરીમાં 10 દિવસ રોકાયા પછી પરિણીતા પિયર જતી રહી હતી. ત્યારબાદ તે પરત સાસરીમાં આવી ન હતી અને છોકરાવાળા પાસેથી 3.75 લાખ લઇ લીધા હતા. આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે ત્રણ આરોપીને પકડવાના બાકી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા અને આશા વર્કર તરીકે કામ કરતા તારાબેન મનસુખભાઇ ભલગામાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા દીકરા લાલજીના લગ્ન કરવાના હોઇ મારી બહેનપણી શરીફાબેન બચુભાઇ મુસ્લિમ (રહે.ધાંગધ્રા) ને વાત કરી હતી. શરીફાબેનના દીકરા તોસીફે કહ્યું હતું કે, મારો મિત્ર નાજીરભાઇ (રહે. ભરૂચ) લગ્ન કરાવી આપવાનું કામ કરે છે. ત્યારબાદ સોનાલી (રહે. શ્રીનાથજી પાર્ક, નોવિનો રોડ) ના ઘરે અમે ગયા હતા. તોસીફે લગ્ન કરાવી આપવાના ત્રણ લાખ થશે તેવું કહ્યું હતું. અમે લગ્ન કરીને સોનાલીને અમારા ઘરે લઇ ગયા હતા. મારા દીકરાએ તેને નવો મોબાઇલ અને દાગીના લઇ આપ્યા હતા. થોડા દિવસ પછી મહેન્દ્ર પ્રજાપતિ, સોનાલીનો ભાઇ હેમંત, હેમંતની વહુ સોનાલીને તેડી ગયા હતા. ત્યારબાદ સોનાલી સાસરીમાં અમારા ઘરે પરત આવી નહતી. તેઓએ મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા. પોલીસે આ ગુનામાં સામેલ મહેન્દ્ર મોહનભાઈ પ્રજાપતિ (રહે-ગોરાદ ગામ, પ્રજાપતિ વાસ, તાલુકો-જીલ્લો મહેસાણા) ની ધરપકડ કરી છે. જ્યારે હજી લૂંટેરી દુલ્હન સોનાલી શ્રીવાસ્તવ સહિત ત્રણ આરોપીને પકડવાના બાકી છે.



