गुजरात

મૃતક વ્યક્તિના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન વેચી દેવાનું કૌભાંડ | Scam of selling land by creating bogus power of attorney in the name of a deceased person



– મહુધા તાલુકાના બલોલ ગામમાં 

– ખોટા દસ્તાવેજોના આધારે વેચાણ થયાનું ખુલતા સબ રજિસ્ટ્રારને ફરિયાદ કરવા કલેક્ટરનો આદેશ

નડિયાદ : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના બલોલ ગામે સર્વે નંબર ૪૦૧ વાળી જમીન બાબતે ખોટા દસ્તાવેજોના આધારે વેચાણ કરવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠકમાં થયેલી તપાસ બાદ આ જમીન સોદામાં બોગસ પાવર ઓફ એટર્નીનો ઉપયોગ થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થયું છે. આ બાબતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી સમિતિમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા મહુધા સબ રજિસ્ટારને આદેશ કરાયો છે.

બલોલ ગામની સર્વે નંબર ૪૦૧ વાળી જમીન અંગે જમીન તકેદારી સમિતિમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની તપાસણી દરમિયાન રેવન્યુ રેકોર્ડ તપાસતા માલૂમ પડયું હતું કે, આ જમીન વર્ષ ૨૦૦૯માં રજિસ્ટર્ડ દસ્તાવેજથી વેચાણ કરવામાં આવી હતી. આ વેચાણ દસ્તાવેજમાં રામાભાઈ ભગાભાઈ અને અન્ય લોકો દ્વારા કલ્પેશકુમાર કાંતિભાઈના નામે નોટરાઈઝ્ડ પાવર ઓફ એટર્ની રજૂ કરવામાં આવી હતી. જોકે, તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, રામાભાઈ ભગાભાઈનું અવસાન તારીખ ૧૮-૦૪-૧૯૯૬ના રોજ થયેલું છે અને તેમનો મરણનો દાખલો પણ રેકોર્ડ પર ઉપલબ્ધ છે. આમ, વર્ષ ૧૯૯૬માં મૃત્યુ પામેલા વ્યક્તિના નામે વર્ષ ૨૦૦૯માં બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને જમીનનું વેચાણ કરી દેવામાં આવ્યું હતું. જિલ્લા જમીન તકેદારી સમિતિના સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા આ મામલે સબ રજિસ્ટ્રાર મહુધાને જરૂરી પુરાવાઓ સાથે સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તત્કાલ પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપી છે. બોગસ પાવર ઓફ એટર્નીના આધારે થયેલા આ રજિસ્ટર્ડ દસ્તાવેજ અંગે પોલીસ તપાસમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે બહાર આવશે. આ ઘટનાને પગલે ખેડા જિલ્લાના મહેસૂલી અને સહકારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.



Source link

Related Articles

Back to top button