गुजरात

ગેરકાયદેસર પંતગનો સ્ટોલ બનાવી દબાણ કરાતા લારીઓ ધારકોમાં રોષ | Anger among lorry owners over pressure to set up illegal tent stalls



– નડિયાદ શહેરના પારસ સર્કલ પાસે 

– પાલિકા માત્ર નાના વેપારીઓને કાયદાનું પાલન કરાવતી હોવાથી સમાન કાર્યવાહીની માંગણી 

નડિયાદ : નડિયાદ શહેરના વ્યસ્ત ગણાતા પારસ સર્કલ વિસ્તારમાં આવેલા ઇપ્કોવાલા હોલના કમ્પાઉન્ડની બહાર મુખ્ય રોડની જગ્યા પર મોટો શેડ મારીને પતંગનો સ્ટોલ બનાવી દેવામાં આવ્યો છે. તહેવારોની સિઝનમાં સામાન્ય રીતે નાના વેપારીઓને રોડ પર ઉભા રહેવા બાબતે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવતું હોય છે, પરંતુ અહીં મંજૂરી વગર ઉભા કરાયેલા આટલા મોટા દબાણ સામે કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક લારી ધારકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

નડિયાદના સંતરામ રોડ સહિતના વિસ્તારોમાં તહેવારો દરમિયાન લારી અને પાથરણાવાળા નાના વેપારીઓને બેસવા માટે મહાનગરપાલિકા દ્વારા ચોક્કસ નિયમો અને સૂચનાઓ આપવામાં આવતી હોય છે. અનેક કિસ્સાઓમાં ટ્રાફિકને નડતરરૂપ હોવાનું કહીને આ નાના વેપારીઓને હટાવવામાં પણ આવતા હોય છે. તેની સરખામણીએ પારસ સર્કલ પાસે જાહેરમાં મુખ્ય માર્ગ પર જ લોખંડના એન્ગલો અને પતરાની મદદથી ગેરકાયદેસર શેડ તાણી બાંધવામાં આવ્યો છે. આ સ્ટોલને કારણે વાહન વ્યવહાર અને રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. તેમ છતાં પાલિકાના દબાણ શાખાના અધિકારીઓ દ્વારા આ બાબતે હજુ સુધી કોઈ તપાસ કે હટાવવાની પ્રક્રિયા કરવામાં આવી નથી. સ્થાનિક લારી ધારકો અને નાના ફેરિયાઓ દ્વારા એવી માંગણી કરવામાં આવી રહી છે કે, જો પાલિકા નાના વેપારીઓ સામે કાયદાનું પાલન કરાવતી હોય, તો આ પ્રકારે મંજૂરી વગર રોડ પર મોટો સ્ટોલ નાખીને બેસી જનારા વગદાર લોકો સામે પણ સમાન કાર્યવાહી થવી જોઈએ. પાલિકા દ્વારા તટસ્થ તપાસ કરી આ ગેરકાયદેસર શેડ દૂર કરવામાં આવે તેવી માંગણીએ જોર પકડયું છે.



Source link

Related Articles

Back to top button