‘ડીલ કરો નહીંતર…’ વેનેઝુએલા અને ઈરાન બાદ હવે વધુ એક દેશને ડોનાલ્ડ ટ્રમ્પે ધમકાવ્યાં | Trump Warns Cuba: Deal with US or Face Economic Collapse After Venezuela Oil Supply Ends

![]()
Donald trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને સીધી ચેતવણી આપી છે કે કાં તો તે વોશિંગ્ટન સાથે સમજૂતી કરે અથવા સંપૂર્ણ આર્થિક અલગતા (Economic Isolation) માટે તૈયાર રહે. ટ્રમ્પે દાવો કર્યો છે કે વેનેઝુએલાના તેલ પર નિર્ભર ક્યુબાની અર્થવ્યવસ્થા હવે પતનની આરે છે અને તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અત્યાર સુધી વેનેઝુએલા પર કાર્યવાહી કરી ચૂક્યા છે. ત્યારબાદ તેમણે ઈરાન, ગ્રીનલેન્ડ, કોલંબિયા અને હવે ક્યૂબાને ધમકી આપી છે.
વેનેઝુએલાથી મળતી સબસિડી બંધ: ‘બધું જ ઝીરો’
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે, “વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત થઈ ગયો છે. હવે ક્યુબાને ન તેલ મળશે, ન પૈસા. બધું જ ઝીરો છે. હું તેમને કડક સલાહ આપું છું કે તેઓ સમય રહેતા ડીલ કરી લે.”
ઉલ્લેખનીય છે કે, ક્યુબા તેની જરૂરિયાતનું 50 ટકા તેલ વેનેઝુએલા પાસેથી મેળવતું હતું. પરંતુ જાન્યુઆરીમાં માદુરોની ધરપકડ બાદ અમેરિકાએ તેલના પુરવઠા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે, જેના કારણે ક્યુબામાં અત્યારે ભારે વીજ કાપ અને ઈંધણની તંગી સર્જાઈ છે.
ક્યુબાનો આકરો વળતો પ્રહાર
ટ્રમ્પની આ ધમકી બાદ ક્યુબાના પ્રમુખ મિગેલ ડિયાઝ-કેનેલે આક્રમક વલણ અપનાવતા X પર લખ્યું કે, “ક્યુબા એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છે. અમને કોઈ નિર્દેશ આપી શકે નહીં. અમે સંઘર્ષ નથી ઈચ્છતા, પરંતુ દેશની રક્ષા માટે લોહીના છેલ્લા ટીપાં સુધી લડવા તૈયાર છીએ.” ક્યુબાના વિદેશ મંત્રીએ અમેરિકા પર ‘ગુનાહિત વલણ’ અપનાવવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે અમેરિકા વૈશ્વિક શાંતિ માટે ખતરો છે.
32 સૈનિકોના મોત અને તૂટતું ગઠબંધન
હવાના (ક્યુબા) અને કારાકસ (વેનેઝુએલા) વચ્ચેનું દાયકાઓ જૂનું ગઠબંધન અત્યારે જોખમમાં છે. રિપોર્ટ્સ મુજબ, વેનેઝુએલામાં અમેરિકન લશ્કરી કાર્યવાહી દરમિયાન ક્યુબાના 32 સશસ્ત્ર જવાનો માર્યા ગયા છે, જેઓ ત્યાં સુરક્ષા સેવાઓ આપી રહ્યા હતા. આ ઘટનાએ બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ ભરી દીધી છે.
શું આ ક્યુબાની સરકારનો અંત છે?
અમેરિકન વહીવટીતંત્રના કેટલાક અધિકારીઓ અને રિપબ્લિકન સાંસદો માને છે કે ક્યુબા પરનો આ દબાણ ત્યાંની સામ્યવાદી (Communist) સરકારના અંતની શરૂઆત હોઈ શકે છે. જોકે, નિષ્ણાતો સાવધ છે કારણ કે ક્યુબા દાયકાઓથી અમેરિકન પ્રતિબંધો વચ્ચે ટકી રહ્યું છે. હાલમાં ક્યુબા અનિશ્ચિતતા અને ઊંડા આર્થિક સંકટના ખતરનાક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
મુખ્ય અસરો:
તેલની અછત: જાન્યુઆરીથી અત્યાર સુધી વેનેઝુએલાથી ક્યુબા માટે એક પણ તેલની ખેપ રવાના થઈ નથી.
વીજળીનું સંકટ: ક્યુબાના મોટાભાગના વિસ્તારોમાં લાંબા સમય સુધી વીજ કાપ ઝીલવો પડી રહ્યો છે.
અમેરિકન વર્ચસ્વ: ટ્રમ્પની આ આક્રમક નીતિ પશ્ચિમી ગોળાર્ધમાં રશિયા અને ચીનના પ્રભાવને ઓછો કરવાની રણનીતિ માનવામાં આવે છે.


