મહેમદાવાદના વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : એસઆઈટી દ્વારા તપાસ | Government land worth crores looted in Wanthwali village of Mehmadabad: SIT investigates

![]()
– જમીન હડપવા મુદ્દે મહેસૂલ વિભાગના રેકર્ડ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી
– 1979 માં જમીન સંપાદન બાદ નાણાં પણ ચૂકવાઈ ગયા છતાં 2024 સુધી સરકારી ચોપડે નામ ના ચઢ્યું : રેકર્ડમાં એન્ટ્રી પાડવામાં આળસ કરનાર જવાબદાર અધિકારીઓની સામે પણ ફોજદારી તપાસની માંગણી
નડિયાદ : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે કરોડો રૂપિયાની સરકારી જમીન ખાનગી વ્યક્તિઓને વેચી દેવાના પ્રકરણમાં મહેસૂલ વિભાગની વર્ષોે જૂની આળસ અને વહીવટી ક્ષતિઓ હવે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વર્ષ ૧૯૭૯માં જમીન સંપાદન થયા બાદ તેના નાણાં પણ ચૂકવાઈ ગયા હોવા છતાં વર્ષ ૨૦૨૪ સુધી સરકારી ચોપડે નામ નહીં ચઢતા તંત્રની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યા છે.
વાંઠવાળી ગામે વર્ષ ૧૯૭૮-૭૯ના સમયગાળામાં સિંચાઈ વિભાગની સેક્શન કોલોની બનાવવા માટે બ્લોક નંબર ૮૩૬ અને ૮૪૫ની જમીન કાયદેસર રીતે સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને વળતર પેટે ૧,૮૭૫ રૂપિયા અને ત્યારબાદ અન્ય રકમ મળી કુલ નક્કી થયેલા ભાવ મુજબ ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. વળતર ચૂકવાયા બાદ જે-તે સમયે જમીન મહેસૂલના રેકર્ડ પર સરકારનું નામ દાખલ કરાવવાની જવાબદારી સિંચાઈ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓની હતી. જોકે આ પ્રક્રિયામાં થયેલી ગંભીર બેદરકારીના કારણે ૪૬ વર્ષ સુધી સરકારી દફતરે આ મિલકત મૂળ માલિકોના નામે જ બોલતી રહી હતી. વહીવટી તંત્રની આ લાંબી ઊંઘનો લાભ ભૂમાફિયાઓએ ઉઠાવ્યો અને સરકારી મકાનો હોવા છતાં જમીન ખેડૂતોની જ હોવાનું દર્શાવી તેના વેચાણ દસ્તાવેજો કરી નાખ્યા હતા.
સામાન્ય રીતે દર થોડા વર્ષોેએ જમીન રેકર્ડના રિ-સર્વે અને પ્રોમોલગેશનની કામગીરી થતી હોય છે. વાંઠવાળીમાં પણ આ સમયગાળા દરમિયાન અનેકવાર મહેસૂલી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હશે, તેમ છતાં સિંચાઈ વિભાગની આટલી મોટી જમીન કેમ કોઈના ધ્યાન પર ન આવી તે સૌથી મોટો સવાલ છે. આ પ્રકરણમાં માત્ર નીચલા સ્તરના કર્મચારી એવા તલાટીને સસ્પેન્ડ કરીને ઉચ્ચ અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. જો ૧૯૭૯થી અત્યાર સુધીમાં આ જમીનનું રેકર્ડ અપડેટ કરવામાં આવ્યું હોત તો કરોડોની મિલકત પચાવી પાડવાનું કૌભાંડ આચરી શકાયું ન હોત.
હાલમાં આ મામલે સીટ દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યારે લોકોમાં એવી ચર્ચા છે કે વર્ષોે સુધી આ ફાઈલો દબાવી રાખનાર અથવા તો રેકર્ડમાં એન્ટ્રી પાડવામાં આળસ કરનાર તે સમયના જવાબદાર અધિકારીઓ સામે પણ ફોજદારી તપાસ થવી જોઈએ. જો રાજ્યભરમાં સિંચાઈ કે અન્ય વિભાગોની સંપાદિત થયેલી જમીનોની તપાસ કરવામાં આવે તો વાંઠવાળી જેવી અનેક જમીનોના રેકર્ડ હજુ પણ ખાનગી માલિકોના નામે હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.



